ભયંકર@પેટલાદ: નગરપાલિકામાં સોલાર લાઇટના 11 કરોડના ટેન્ડરમા અધિકારી અને વેપારીની મિલીભગત, બેકાબૂ ભ્રષ્ટાચાર

પેટલાદ નગરપાલિકાના સત્તાધીશોને ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી ખરીદીમાં સેટિંગ્સની ફાવટ આવી ગઈ કે એજન્સીએ શિખવાડ્યું તે સૌથી મોટો સવાલ
 
File image

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પેટલાદ નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારની ખરીદીમાં ભ્રષ્ટાચારના કથિત આક્ષેપ ભલે સાબિતી સુધી ના પહોંચે પરંતુ સોલાર લાઈટના કરોડોના ટેન્ડરમા બેકાબૂ, બેફામ અને બેરોકટોક ભ્રષ્ટાચારે મિલીભગતથી થતાં વેપારની બૂમ પડાવી દીધી છે. એજન્સીઓની રિંગ, ખરીદનાર એવા ચીફ ઓફિસરની ખુલી છૂટ અને નાણાંના જોરે ખરીદનાર અને વેચનારે પ્રામાણિક વેપારીઓમાં રીતસર કહેર વર્તાવ્યો છે. બીડ વેલ્યુથી વધારે ભાવ ઓફર કરવાનો/કરાવવા દેવાનો તેમજ એજન્સીઓ વચ્ચે સેટિંગ્સ થવા દેવાની જૂની ભ્રષ્ટાચારી મોડ્સ ઓપરેન્ડી પેટલાદ નગરપાલિકાના ટેન્ડરમા આજેપણ યથાવત છે. કારકૂન, એસ.ઓ, ચીફ ઓફિસર તેમજ એન્ટરપ્રાઇઝોની એવી દોસ્તી જામી છે કે, દેખીતું સેટિંગ્સ તોડવું નથી અને સરકારી હિતની દાદાગીરીથી અવગણના કરવી છે. આજે જાણીએ પેટલાદ નગરપાલિકાના ભ્રષ્ટ દુર્ગંધથી ભરેલા ટેન્ડરનો સમગ્ર અહેવાલ.

આણંદ જિલ્લાની પેટલાદ નગરપાલિકાએ ગત ડિસેમ્બર 2025 દરમ્યાન રૂપિયા 4.6 કરોડથી વધુનું સ્ટ્રીટ લાઈટ સંબંધિત ટેન્ડર કર્યું હતું. આ ટેન્ડરમા એજન્સીઓ વચ્ચે રિંગ થઈ, એજન્સીઓ વચ્ચે નાટ્યાત્મક દેખાડો કરવા પૂરતી ભાવ હરિફાઈ થઈ આમ છતાં બાયર એવા દેવાયત કામલીયા, ચીફ ઓફિસર સહિતનાએ બેફિકર રહી ઈરાદાપૂર્વક આંખ આડા કાન કર્યા હતા. હવે ફરી એકવાર પેટલાદ નગરપાલિકાએ રૂપિયા 11 કરોડથી વધુનુ સોલાર સ્ટ્રીટ લાઈટનુ ટેન્ડર કર્યું છે ત્યારે તમામ એજન્સીઓ વચ્ચે બનાવટી ભાવ હરિફાઈ થઈ, ટેકનિકલી ક્વોલિફાય તમામ ચાર એજન્સીએ ઈરાદાપૂર્વક બીડ વેલ્યુથી વધારે ભાવ ઓફર કર્યા છે.

ચીફ ઓફિસર સહિતનાને નરી આંખે દેખાય છે કે, દેખાડો કરવા પૂરતી આર.એ પ્રક્રિયામાં એજન્સીઓએ ભૂમિકા ભજવી, એકબીજા સાથે રીંગ કરી તેમજ બીડ વેલ્યુથી તદ્દન નજીક વર્ક ઓર્ડર કરાવવા એલ1ને મદદગારી કરી છે. એજન્સીઓએ અને અધિકારીઓ વચ્ચે સતત સંપર્ક, રૂબરૂ મુલાકાતો, એકબીજાને અવારનવાર માર્ગદર્શન, સ્પેશિફિકેશનથી માંડી બીડ વેલ્યુ અને ક્વોન્ટિટી સહિતના મામલે અત્યંત ઘરોબો એ શું સુચવે છે ? ભારત સરકારની કમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા અને ગુજરાત સીઆઇડી ક્રાઇમ આર્થિક ગુના શાખા જો સરકારના નાણાંકીય હિતમાં તપાસમાં સુઓમોટો હાથ ધરે તો ભ્રષ્ટાચારનો વિસ્ફોટ સામે આવે તેમ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેન્ડર તૈયાર થાય ત્યારે ખરીદનાર કચેરી કે કમિટી બજાર ભાવ સ્થિતિનો અભ્યાસ કરે, પારદર્શક હરિફાઈથી નીચા ભાવે ખરીદી થાય તેવા પ્રયત્નો કરે, બજારમાં ભાવો જાણી બીડ વેલ્યુ નક્કી કરે છે. જો ખરીદનારે પોતાના અભ્યાસમાં જાણ્યું હોય કે, બીડ વેલ્યુથી નીચા ભાવે ખરીદી શકાય તેવું બીડ છે ત્યારે સામે બાજુ વેચનારને પોષાતું નથી તે દલીલ કેટલા અંશે વ્યાજબી? જો એજન્સીઓને પોષાતું ના હોય તો બીડ વેલ્યુ જાણી ટેન્ડર જ ના ભરે, પરંતુ આવા મહાકાય અને કરોડોના ટેન્ડરમા પૂર્વ આયોજિત સેટિંગ્સ કરી/કરાવી ચોક્કસ એજન્સીઓને અનુકૂળ જોગવાઈ બનાવી ટેન્ડર તૈયાર થાય છે. પૂર્વ આયોજિત વાળા ટેન્ડરમા સેટિંગ્સ વગરની એકપણ એજન્સી ક્વોલિફાય થાય નહિ અને આ પછી બનાવટી ભાવ હરિફાઈ બતાવી વર્ક ઓર્ડર સુધી પહોંચે છે. જાણકારોએ કહ્યું કે, મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધીની નગરપાલિકાના સોલાર સ્ટ્રીટ લાઈટ ટેન્ડરમા જે.કે એન્ટરપ્રાઇઝ, એસ.એસ એન્ટરપ્રાઇઝ અને દુબેનો દબદબો રહ્યો છે. ચીફ ઓફિસર સહિતનાઓ જાણીજોઈને બનાવટી ભાવ ઓફર અને મિલીભગતને અવગણી, રજૂઆતો આવે તો બેધ્યાન રહી ખૂબ જ ઝડપથી પેમેન્ટ સુધીની પ્રક્રિયા પાર પાડે છે તેના કારણો જાણશો તો પગ તળે જમીન સરકી જશે. આગામી ન્યૂઝ રીપોર્ટમાં પેટલાદ નગરપાલિકાના બંને ટેન્ડરના કૌભાંડની તપાસ કઈ બાહોશ ઓથોરિટી કરશે, ક્યારે કરશે અને કેવીરીતે પકડી શકે આ સેટિંગ્સ તેનો ઘટસ્ફોટ કરવા પ્રયત્ન કરીશું.