મોરબી: માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 3 વર્ષની બાળકી નાના ભાઇના મોતનું કારણ બની
ફાઇલફોટો

અટલ સમાચાર, ડેસ્ક

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે. મોરબીમાં હળવદના ઘનશ્યામપુરમાં દિવાસળીના બોક્સથી રમતી બાળકીએ ભૂલથી સળગતી દિવાસળી 6 માસનો નાનો ભાઇ સૂતો હતો ત્યાં ફેંકી હતી. જેથી આખો પલંગ સળગી જતા બાળકને ગંભીર ઇજા થઇ હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલી વાડીમાં મુકેશભાઇ ચૌહાણનો પરિવાર મજૂરી કામ કરતો હતો અને ત્યાં જ રહેતા હતા. આ પરિવારના બે બાળકો ત્રણ વર્ષની અનિશા અને છ માસનો રાજેશ વાડીમાં હતા. રાજેશ ખાટલામાં સૂતો હતો. બહેન ત્યાં બેસીને રમતી હતી. ત્રણ વર્ષની બહેન અનિશા દિવાસળીથી રમતી હતી. આ દરમિયાન બાળકીએ દિવાસળી સળગાવી પરંતુ તે જોઇને તે ડરી ગઇ હતી. જેથી તેને હાથમાંથી સળગતી દિવાસળી ફેંકી દીધી હતી. જે પલંગ પર પડી હતી. 


સુત્રોએ જણાવ્યું હતુ કે, સળગતી દિવાસળી પલંગ પર પડી ત્યારે સૂતેલો છ માસનો રાજેશ ગંભીર રીતે દાઝી ગયો હતો.આ બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન જ મોત નીપજ્યું છે. આ અંગે હળવદ તાલુકા પોલસને અકસ્માતે ગુનો નોંધ્યાની જાણ કરવામાં આવી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.