ACB@પાટણ: મકાનની આકારણી કાઢી આપવા 3000ની લાંચ માંગી, તલાટી અને VCE રંગેહાથ ઝડપાયા

અટલ સમાચાર, પાટણ
પાટણમાં આજે ફરી એક વાર સફળ એસીબી ટ્રેપની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સાંતલપુર તાલુકાના કોલીવાડા ગ્રામ પંચાયતના તલાટી અને જારૂષા ગ્રામ પંચાયત કચેરીનો VCE રૂપિયા 3000ની લાંચ લેતા ઝડપાયાં છે. પ્રાથમિક વિગતો મુજબ સ્થાનિક વ્યક્તિને પોતાના ભાઈના મકાનની આકારણી કાઢી આપવા માટે તલાટીના કહેવાથી VCE એ લાંચ માંગી હતી. જોકે ફરિયાદી એસીબીને જાણ કર્યા ટ્રેપ ગોઠવી બંનેને ઝડપી લેવાયા છે.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આજે પાટણ ACB એ સફળ ટ્રેપ કરી છે. વિગતો મુજબ ફરીયાદીને પોતાના ભાઈના મકાનની આકારણી કાઢી આપવા માટે તેમજ તેઓના સરકારના પોતાના કબ્જા હેઠળના પ્લોટની આકારણી કાઢી આપવા માટે કવાયત શરૂ કરી હતી. જેને લઇ ફરિયાદી પાસે કોલિવાડા ગ્રામ પંચાયત કચેરીના તલાટી પ્રિયાંકકુમાર પ્રહલાદભાઈ પટેલ વતી જારૂષા ગ્રામ પંચાયત કચેરીના VCE રાકેશકુમાર કાનદાસ સાધુએ આ કામ કરી આપવા સારૂ લાંચ પેટે રૂ.3,000ની માંગણી કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા ઇચ્છુક ના હોય તેમને પાટણ ACB નો સંપર્ક કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદને આધારે એસીબી બોર્ડર એકમ, ભુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ પાટણ ACB PI એમ.જે.ચૌધરીની ટીમે જારૂષા ગ્રામ પંચાયત કચેરીએ છટકું ગોઠવ્યું હતું. જ્યાં જારૂષા ગ્રામ પંચાયત કચેરીના VCE રાકેશકુમાર કાનદાસ સાધુએ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા 3000 માંગી સ્વીકારી કોલિવાડા ગ્રામ પંચાયત કચેરીના તલાટી પ્રિયાંકકુમાર પ્રહલાદભાઈ પટેલ જોડે ટેલિફોનથી વાતચીત કરી બંને આરોપી પકડાઇ ગયા હતા. જેથી એસીબીએ બંને આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.