પાટણઃ સમી તાલુકામાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ
ચણા

અટલ સમાચાર, ડેસ્ક

ખેડૂતોને ચણાના પાકનો લઘુત્તમ ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી છે. પાટણમાં ગુજકોમાસોલ દ્વારા સમી તાલુકા કૃષિ બિયારણ મંડળીને ટેકાના ભાવે ચણા ખરીદ વેચાણની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં કુલ 1800 ખેડૂતોના નામે ચણા વેચાણની ઓનલાઇન નોધણી કરવામાં આવી હતી. જે પૈકી 1450 જેટલા ખેડૂતોના નામે ટેકાના ભાવે ચણા વેચાણ કરવામાં આવ્યા છે. ત્યારે સમી તાલુકામાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યાં છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ખેડૂતોના નામે નોંધણી કરવામાં આવી છે. તેમાં મોટા ભાગના વેપારીઓએ ખેડૂતોના નામે ખોટી રીતે વાવેતરના દાખલા, મોબાઈલ નંબર ખોટા રજૂ કરી વેપારીઓએ ખેડૂતો પાસેથી નીચા ભાવે ચણા ખરીદ કરી સરકારના ટેકાના ભાવે કૃષિ બિયારણ મંડળીને ચણા વેચાણ કરી સરકારને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાના ચોંકાવનારા આક્ષેપો થઈ રહ્યા છે. સમી તાલુકાની કૃષિ બિયારણ મંડળી દ્વારા વેચાણ થયેલી નોધણીની તપાસ હાથ ધરવામાં આવે તો ખેડૂતોના નામે ચણા ખરીદ વેચાણમાં લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવા આક્ષેપ થઈ રહ્યા છે.

પોતાના નામે ચણા વેચાણ માટે ખોટું રજીસ્ટ્રેશન થયેલું હોવાનું હારીજના ખેડૂત કનુ ઠાકરે જણાવ્યું હતું. તેઓએ સમી ખાતે રજીસ્ટ્રેશન થયેલી મંડળી ઉપર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, અગાઉ પણ હારીજ રજીસ્ટેશન મંડળીમાં વેપારીઓએ ખેડૂતના નામે ખોટા રજીસ્ટ્રેશન કરી સસ્તા ભાવે ચણાની ખરીદી કરી સરકારને મોટું નુકસાન કર્યું હતું. જે બાદ સમી મંડળીમાં પણ આજ કૌભાંડ આચરાયું છે. આમાં પણ સરકાર દ્વારા તપાસ થાય તો મોટું ચણા કૌભાંડ બહાર આવે તેવી શંકા તેઓએ વ્યક્ત કરી હતી.

આ અંગે કૃષિ બિયારણ મંડળીના ચેરમેન હરિ ચાવડાએ જણાવ્યું હતું કે, ખોટા આધાર પુરાવા ટેલિફોન નંબરો રજૂ કરી ઓન લાઈન નોંધણી કરાવી હોય તેની તપાસની જવાબદારી સરકારની હોય છે અમારી મંડળીની નહી.