પાટણઃ સારવાર દરમિયાન કોરોનાના દર્દીનું મોત થતાં ડિગ્રી વગરના ડોક્ટર સામે વધુ એક ફરિયાદ નોંધાઇ
ડો

અટલ સમાચાર, ડેસ્ક


પાટણમાં ડિગ્રી વગરના ડો. યોગેશ પટેલ કાંડની તપાસ કરતી એ-ડીવિઝન પોલીસને આખરે આ ડોક્ટર પાસે સારવાર દરમિયાન મોત થયાની એક અરજી મળી છે. કોરોનાના દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેવો દાવો અને આક્ષેપ કરતી એક ફરિયાદ અરજી સ્વરુપે પોલીસને મળી છે. આ અરજી મૃતકનાં ભાઈએ કરી હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું હતું.
 

આ અરજીની સાથે તેણે ડોક્ટરે લીધેલા નાણાનું બિલ પણ સામેલ રાખ્યું છે. તથા અત્રેનાં મેડીકલ સ્ટોર દ્વારા દવાઓ અપાઇ હતી. પરંતુ તેનું બીલ સ્ટોર સંચાલકે ચોક્કસ કારણોસર આપ્યું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અરજીની તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં હોવાથી આ તબીબની સારવારથી મૃત્યુ પામનારની સંપૂર્ણ વિગતો જાહેર કરવાનું પોલીસે હાલ પુરતુ ટાળ્યું છે.
  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 

આ દર્દીનું મૃત્યુ એપ્રિલ-2021માં થયું હતું અને તે 10 દિવસથી ડૉ. યોગેશ પટેલની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. આ અરજી મૃતકના ભાઇએ કરી છે. યોગેશ પટેલ હજુ પોલીસને હાથ લાગ્યો નથી. પરંતુ પોલીસને તે વિદેશ ભાગી જાય તેવી શંકા હોવાથી અગાઉ પ્રાદેશિક પાસપોર્ટ ઓફીસમાંથી તેની સામે ઇમિગ્રેશન નોટિસ ઇસ્યુ કરવા પત્ર વ્યવહાર કર્યો હતો.

યોગેશ પટેલે 2014 માં પાસપોર્ટ કઢાવેલો છે અને તેની વેલિડીટી 2024 સુધીની છે. જેથી તે વિદેશ ભાગી ન જાય તે માટે જિલ્લા પોલીસવડાએ લુકઆઉટ નોટિસ જારી કરીને દેશનાં તમામ સરકારી-બિનસરકારી ખાનગી એરપોર્ટ ઓથોરિટીને યોગેશ પટેલના પાસપોર્ટની વિગતો તેનો બાયોડેટા અને ફોટોગ્રાફ સહિતની વિગતો દર્શાવતી નોટિસ મોકલી આપી છે.