બ્રેકિંગ@પાટણ: શિક્ષકોએ ભીખુ-દીગુ હાય હાયના નારા લગાવ્યા, સંઘના નેતાઓ વિરુદ્ધ શિક્ષકવર્ગ લાલઘૂમ
જાણે બેસણું યોજતા હોય તેમ ફોટા ગોઠવી ફુલોને બદલે ચપ્પલો ચડાવ્યા, વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Updated: Sep 18, 2022, 22:02 IST

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
જૂની પેન્શન યોજના મામલે રાજ્ય શિક્ષક સંઘની ચૂંટણી પૂર્વે બરોબરની લડાઇમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. સરકારે કેટલીક માંગણી સ્વિકારી લેતાં સંઘના નેતાઓ દ્વારા આંદોલન મુલત્વી રાખવા જાહેરાત કરવામાં આવી હતી. જૂની પેન્શન યોજના અધ્ધરતાલ રહેવા છતાં આંદોલન મુલત્વી રાખવાનું જાહેર કરતાં રાજ્યભરના શિક્ષકો અચાનક ચોંકી ઉઠ્યા છે. અનેક શિક્ષકોએ સોશિયલ મીડિયામાં સંઘના નેતાઓ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે. જેમાં પાટણ જિલ્લામાં તો હડકંપ મચી જાય તેવી ઘટના બની છે. શિક્ષકોએ પોતાના જ નેતા વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા છે. પાટણના એક બગીચામાં જાણે બેસણું યોજ્યું હોય તેવો માહોલ સર્જી ચપ્પલથી નવાજ્યા હતા. આ વિડીયો વાયરલ થતાં શિક્ષક આલમમાં સમર્થન અને નારાજગી વ્યક્ત થઈ રહી છે. બે સંઘના પ્રમુખો સામે આક્રોશ એટલો વધી ગયો કે આવતીકાલે તાત્કાલિક અસરથી સંકલન બેઠક બોલાવવામાં આવી છે.

ગુજરાત સરકાર આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે શિક્ષકોએ જૂની પેન્શન યોજના અમલમાં મૂકવા આંદોલન શરૂ કરેલું છે. જેમાં ગુજરાત શૈક્ષિક સંઘ અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે સંયુક્ત બેઠકમાં શિક્ષણ મંત્રીની હાજરીમાં આંદોલન મુલત્વી રાખવા જાહેરાત કરી હતી. હવે જે મુખ્ય મુદ્દો હતો તે તમામ શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાનો હતો. હવે આ જૂની પેન્શનને બદલે કુટુંબ પેન્શન યોજના સરકાર લાવી છે. જેમાં વર્ષ 2005 પહેલાંના શિક્ષકોને લાભ આપવાની વાત થતાં 2005 પછી શિક્ષકમાં લાગેલા રોષે ભરાયા છે. તમામ શિક્ષકો માટે માત્ર જૂની પેન્શન યોજના લાગુ કરો તે સિવાય બીજું કંઈ નથી આ મુદ્દે શિક્ષકો હજુપણ આંદોલનના મૂડમાં છે. જોકે શિક્ષણ સંઘના દિગ્વિજય સિંહ અને ભીખાભાઇ પટેલે આંદોલન પડતું મૂકતાં સંઘના બંને નેતાઓ સામે શિક્ષકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જેમાં અનેક શિક્ષકોએ સંઘનાં નેતાઓ વેચાઈ ગયા, રાજીનામું આપો, બાપની પેઢી નથી તેવા શબ્દો સાથે રોષ ઠાલવી રહ્યા છે.
આટલું જ નહિ આજે તો પાટણ શહેરના એક બગીચામાં કેટલાક શિક્ષક શિક્ષિકાઓ ભેગાં થયાં અને ભારે નારાજગી વચ્ચે સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં ઓન્લી ઓપીએસ જોઈએ અને ભીખુ દિગુ હાય હાય ના નારા લગાવ્યા હતા. આ દરમ્યાન ભીખાભાઇ પટેલ અને દિગ્વિજય સિંહના ફોટા જાણે બેસણું હોય તેમ ગોઠવી અને ફુલની જગ્યાએ ચપ્પલો ગોઠવી હાય હાય બોલ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. આ બાબતે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ જીતુભાઇ પટેલે જણાવ્યું હતું કે, હા વિડિયો પાટણનો છે અને કદાચ ગુગળી તળાવ બગીચાનો છે. જોકે આવી રીતે વિરોધ ના કરાય પરંતુ ચોક્કસ સિસ્ટમથી વિરોધ કરાય. આવતીકાલે અમારી સંકલનની બેઠકમાં અમે સંઘના રાજ્ય પ્રમુખને પૂછવાના છીએ કે, અમને પૂછ્યા વગર કેમ આંદોલન મુલત્વી રાખ્યું. અમે જૂની પેન્શન યોજના મુદ્દે મક્કમ છીએ.