બ્રેકિંગ@પાટણ: રદ્દ બદલી વિરુદ્ધ કોર્ટમાં ગયેલા 29 શિક્ષકોની જીત, પ્રાથમિક શિક્ષણ નિયામકનો હુકમ ના ટક્યો

ડીપીઈઓ ચૌધરીએ કરેલી બદલી રદ્દ થતાં અનેક શિક્ષકોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા
 
Patan district panchayat
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
પાટણ જિલ્લામાં અગાઉ પ્રાથમિક શિક્ષકોની વિવાદાસ્પદ બદલી મામલે સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે. પૂર્વ ડીપીઇઓ ચૌધરીએ કરેલી બદલી નિયામકે રદ્દ કરી હતી તેના ઉપર હાઈકોર્ટે હુકમ આપ્યો છે. નિયામકે રદ્દ કરેલી 29 બદલીનો હુકમ હાઇકોર્ટે રદ્દ કરતાં શિક્ષકોની જીત થઈ છે. વિવાદાસ્પદ બદલી વાળા સરેરાશ 100 પૈકી 29 શિક્ષકોને હાઇકોર્ટના હુકમથી મોટી રાહત મળી છે. આવો જાણીએ સમગ્ર ઘટનાક્રમનો અહેવાલ.
પાટણ જિલ્લામાં અગાઉ પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ચૌધરી હતા ત્યારે બદલી કેમ્પ મારફતે અનેક શિક્ષકોની બદલીના હુકમો કર્યા હતા. આ હુકમો પૈકી કેટલીક બદલી નિયમોથી વિરુદ્ધ હોવા મામલે રજૂઆત થતાં નિયામકે તપાસ હાથ ધરી હતી. જેમાં સરેરાશ 80થી 100 શિક્ષકોની બદલી નિયામકે રદ્દ કરી દેતાં ખળભળાટ મચી ગયો હતો. ભારે દોડધામ અને કોલાહલ વચ્ચે કેટલાક શિક્ષકોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવતાં સુનાવણી શરૂ થઈ હતી. જેમાં હાઇકોર્ટે 29 શિક્ષકોની બદલી મામલે નિયામકનો હુકમ રદ્દ/સ્થગિત કરતાં બદલી વાળી શાળાએ રહેવા શિક્ષકોને મોટી રાહત મળી છે. આ સાથે હાલ એવી પણ પરિસ્થિતિ બની છે કે, પૂર્વ ડીપીઈઓ ચૌધરીએ આ 29 શિક્ષકોની કરેલી બદલી યોગ્ય બની છે.  
સમગ્ર મામલે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હા, હાઇકોર્ટના નિર્ણયને પગલે 29 શિક્ષકોની બદલી યોગ્ય રહી છે. આ સાથે હજુપણ કેટલાક કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. બદલી કેમ્પના ભવિષ્ય બાબતે પૂછતાં જણાવ્યું કે, નિયામક કચેરી તરફથી જ્યાં સુધી કોઈ સુચના નહિ મળે ત્યાં સુધી બદલી કેમ્પ નહિ યોજાય.