બ્રેકિંગ@પાટણ: રણછોડભાઈ અને કેસીભાઇ જેવા અનેકની મહેચ્છા રહી જશે ? ભાજપ મહિલાને ઉતારી શકે

રબારી સમાજની જો નારાજગી હોય તો તે નારાજગી પણ ખાળી શકાય તેવી ગણતરી વચ્ચે દેસાઇ સમાજની મહિલા પણ બની શકે ભાજપના ઉમેદવાર 
 
Gujarat election
બીજી તરફ મંગાજી ઠાકોરે તો જોરશોરથી પ્રચાર પણ શરુ કરી દેતાં ભાજપના ભવિષ્યના ઉમેદવારને શરૂઆતથી જ ડેમેજ કંટ્રોલ ઉપર ધ્યાન દોરવું પડે તેવી નોબત
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
પાટણ જિલ્લાની ખૂબ જ રસપ્રદ અને ચર્ચાસ્પદ બની ગયેલી પાટણ વિધાનસભા બેઠકના મુરતિયા કોણ એ પ્રશ્ન ટોપ ટેનમાં છે. કોંગ્રેસ તરફથી હાલના ધારાસભ્ય કિરીટ પટેલ ઉમેદવાર બનશે એવી પ્રબળ સંભાવના જોતાં ખાસ ચર્ચાઓ નથી, પરંતુ ભાજપ તરફથી કોણ અને ખાસ તો કઈ સમાજના ઉમેદવાર આવશે તે ખૂબ જ રોચક બન્યું છે. હાલની ગતિવિધિઓ જોતાં અને કમલમની ચર્ચાઓ મુલાકાતો ઉપરથી કંઈક અલગ જ માહોલ ઉભો થતો જાય છે. પૂર્વ મહામંત્રી કેસી પટેલ અને પૂર્વ ધારાસભ્ય રણછોડ રબારી જેવા અનેક ઈચ્છાધારીઓની ઇચ્છા શું અધૂરી રહી જશે ? બીજી તરફ ભાજપ ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ ઉમેદવાર બની મંગાજી ઠાકોર પ્રચારમાં લાગી ગયા છે. આ તમામ પાટણની દોડધામ વચ્ચે ગાંધીનગર કંઇક અલગ ચિત્ર સર્જાઈ જાય તો નવાઇ નહિ. એવી પ્રબળ શક્યતા ઉભી થઇ છે કે, પાટણ વિધાનસભા બેઠક ઉપર ભાજપ મહિલાને ઉતારી શકે છે. આ સાથે રબારી સમાજ કંઈક અંશે કદાચ નારાજ હોય તો દેસાઇ સમાજનાં મહિલા પણ ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.
પાટણ જિલ્લાની સિધ્ધપુર અને ચાણસ્મા બેઠક ઉપર ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે. જોકે ખૂબ જ ચર્ચાસ્પદ એવી પાટણ અને રાધનપુર વિધાનસભા બેઠક ઉપર હજુસુધી ભાજપ મોટાપાયે મનોમંથનમાં છે. બંને બેઠક ઉપર ઠાકોર સમાજનાં ઈચ્છાધારીઓ ઉમેદવાર બનવા થનગની રહ્યા છે. જેમાં ખાસ કરીને પાટણ બેઠક ઉપર તો પાટીદાર, રબારી, ઠાકોર સહિત અને સમાજના અગ્રણીઓ, પૂર્વ નેતાઓ, હાલના પદાધિકારીઓ સહિતના ઉમેદવાર થવા તલપાપડ છે. જોકે સૌથી હરોળમાં હોય અને કદાચ જેવી સંભાવના હોય તેવા પૂર્વ મહામંત્રી કેસી પટેલ અને પૂર્વ ધારાસભ્ય રણછોડ રબારી તો વળી જિલ્લા પ્રમુખ દશરથ ઠાકોર પણ ઈચ્છુક હોઈ શકે છે.
આ તમામ દાવેદારો ભલે સ્વમેળે કે ગોડફાધર દ્રારા મહેનત કરી ટિકીટ મેળવવા મથી રહ્યા હોય પરંતુ માહોલ કંઈક અલગ પણ બની શકે છે. પાટણ બેઠક ઉપર ભાજપ મહિલા ઉમેદવારને ટિકીટ આપી શકે તેવી શક્યતા જોઈ શકાય છે. આ સાથે રબારી એટલે કે દેસાઇ સમાજના મહિલા ઉમેદવારને ટિકીટ આપી રબારી સમાજની જો નારાજગી હોય તો દૂર પણ કરી શકાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ખૂબ મથામણ કરી રહેલા રણછોડ રબારી કે બીજા પાટીદાર નેતાઓની મહેચ્છા અધૂરી રહી જશે તો ? એવો સવાલ પણ ચકડોળે ચડ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણ બેઠક ઉપર ભાજપ પાસે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો છે. જે તે વખતે હાર્દિક પટેલના પાટીદાર આંદોલન અને અલ્પેશ ઠાકોરની ચળવળ તેમજ અન્ય કેટલાક કારણોસર પાટણ બેઠક કોંગ્રેસને મળી હતી. આથી હવે પાટણ બેઠક જીતવી સરળ હોવાનું સમજી ભાજપના અનેક ઈચ્છાધારીઓ ભાજપનું મોવડીમંડળ ટિકીટ આપે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.