દાદાગીરી@રાધનપુર: ભયંકર ગંદકી ઠાલવી તળાવને બનાવી દીધું ઝેરીલું, આખા ગામને ત્રાહિમામ્ કર્યાનો ચોંકાવનારો રિપોર્ટ

સરકારી અને સંસ્થાકીય હદ વિસ્તારની ગટરોમાંથી ગામને તળાવમાં ગંદકી ઠાલવી રહ્યા છતાં ગામલોકો મજબૂર, કાયદો વ્યવસ્થાનો નથી ડર
 
Radhanpur gandu pond
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 
રાધનપુર તાલુકાના ગામે સરકારી સંસ્થા અને કેટલાક જૂથની ગંભીર પ્રકારની દાદાગીરી સામે આવી છે. આખા ગામને રંજાડતા અને પરેશાન કરતી આ ઘટના પ્રકાશમાં આવતાં કાયદો અને વ્યવસ્થાનો જાણે કોઈ ડર ના હોવાની સ્થિતિ બની છે. ગામનાં સ્વચ્છ તળાવમાં ઝેર ઠાલવી બેફામ બનેલા ઈસમોની હરકતથી ખળભળાટ મચી ગયો છે. પશુપક્ષીઓને પીવા માટે, સિંચાઇ માટે કે અન્ય કોઈ ઉપયોગ માટેના જાહેર ગામ તળાવમાં ગંદકી અને કેમિકલ ઠાલવતાં ઝેરીલું તળાવ બનાવી દીધું છે. આવી સ્થિતિમાં ગામનું આ તળાવ નરક સમાન બની જતાં ગામલોકો રીતસર તળાવના પાણીનો ઉપયોગ કરતાં ભયમાં આવી ગયા છે. કોણ છે આ ઈસમો અને કેવી રીતે સ્વચ્છ પાણીમાં ગંદકી ઠાલવી તળાવને ઝેરીલું બનાવી દીધાની સમગ્ર ઘટના જાણીએ.
રાધનપુર શહેર નજીક તાલુકાનું સાતુન નામે ગામ આવેલું છે. આ સાતુન ગામમાં મસમોટું ગામ તળાવ આવેલું હોઇ સિંચાઇ કે પશુપક્ષીઓને પીવા માટે ખૂબ જ મહત્વનું છે. જોકે પાછલાં કેટલાંક વર્ષોથી રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારની ગટરનું ગંદુ પાણી અને જીઆઇડીસીનું કેમિકલયુક્ત પાણી સાતુન ગામના તળાવમાં છોડવામાં આવી રહ્યું છે. આખું ગામ જાણે શું કરી લેશે અને કાયદો વ્યવસ્થાની હાજરી છતાં બેફામ દાદાગીરી કરી સાતુન ગામના તળાવમાં ગંદકી ઠાલવવામાં આવી રહી છે. આટલું જ નહિ, દાદાગીરીની હદ તો ત્યારે વટાવી ગઈ કે જ્યારે ગામલોકોએ સ્થાનિક તંત્રને ફરિયાદ કરવા છતાં ગંદકી ઠાલવવાનું બંધ થયું નથી. જાણે સાતુન ગામના તળાવને ગંદકી નિકાલ કરવાનું સ્થળ બનાવી દીધું હોય તેમ ગંદકી ઠાલવતાં જવાબદારો બેફામ બની ગયા છે. 
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર નગરપાલિકા હોય કે જીઆઇડીસીના અગ્રણિઓ હોય તેમને આખા ગામની તકલીફને નજરઅંદાજ કરી બેરોકટોક ગંદું પાણી ઠાલવવાનું ચાલું રાખ્યું છે. કોઈના ગામમાં જાહેર તળાવમાં ઈરાદાપૂર્વક ગંદુ પાણી છોડનારાઓની દાદાગીરી સામે ગામલોકો મજબૂર બની ગયા છે. વરસાદના કુદરતી પાણીથી કે અન્ય સ્વચ્છ સોર્સથી તળાવમાં પાણી ભરાય પરંતુ સરકારી કે સંસ્થાકીય જૂથ દ્વારા ગંદું પાણી ઠાલવવામાં આવતાં આખું તળાવ ઝેર સમાન બન્યું છે. ગામના આગેવાન પબજીભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે, કેમિકલયુક્ત પાણી સાતુનના તળાવમાં ભરાતાં તળાવનું પાણી ઢોર અને પક્ષીઓને પીવાલાયક રહ્યુ નથી.
Gandu talav
અજાણતાં પણ ગામલોકોને જો આ પાણીનો સ્પર્શ થાય તો ચામડીનાં રોગોને આમંત્રણ મળે તેવી નોબત છે. આટલું જ નહીં‌ તળાવ નજીકની અને જ્યાંથી ગંદું પાણી આવી રહ્યું ત્યાંની આસપાસની મોટાભાગની જમીન પણ ખેતી માટે ખાસ કંઈ ઉપયોગી રહી નથી. ગામનાં તળાવમાં ભયંકર ગંદકી ઠાલવનારાઓએ જાણે આખા ગામને મુશ્કેલીરૂપી બાનમાં લીધા છે. આવી પરિસ્થિતિમાં ગ્રામજનોને હિજરત કરવાના વિચારો આવી રહ્યા હોવાનું પણ પથુભાઈ ડોડીયાએ જણાવ્યું હતું.