પાટણઃ રણકાંધીએથી પસાર થતી નર્મદા કેનાલોમાં નીર વહેતા થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ
kenal

અટલ સમાચાર, ડોટ કોમ

ઉનાળામાં પાણીની બે ગણી જરૂર પડી જાય છે. આવા સમયમાં જો પાણી ના હોય તો પશુઓ અને માણસોને અનેક ગણી તકલીફો પડતી હોય છે. આ સાથે પાટણ જિલ્લાની રણકાંધીએથી પસાર થતી નર્મદાની કેનાલોમાં નર્મદાના નીર વહેતા થતા ખેડૂતો અને પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. સાંતલપુર રાધનપુર વિસ્તારમાં નર્મદા કેનાલમાં 500 ક્યુસેક પાણી છોડાયું છે.

પાટણ જિલ્લાની રણકાંધીએ આવેલા સાંતલપુર અને રાધનપુર વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલો અને પેટા કેનાલો છેલ્લા ઘણા સમયથી સિંચાઈના પાણીને લઇ સુકીભઠ્ઠ બની ગઈ હતી. ત્યારે આ વિસ્તારના ખેડૂતો અને આગેવાનો દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી.

તાજેતરમાં બનાસકાંઠામાં નર્મદાના નીર વહેતા થયા બાદ સિંચાઈ વિભાગ દ્વારા પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુરના વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં 500 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને લઇ આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે.