ગંભીર@સાંતલપુર: ખનીજ ચોરીમાં શરૂઆતમાં કંપનીને આરોપી બનાવી, અંદરોઅંદર રંધાઇ જતાં આખો કેસ રફેદફે?

વનવિભાગની જમીનમાં અનેક દિવસો સુધી માટી ખનન અને માટી ચોરી થઇ છતાં બસ બીટ ગાર્ડથી માંડી ફોરેસ્ટર અને આરએફઓ ઊંઘતા રહ્યા. કેટલા હદની વાત કહેવાય
 
સાંતલપુર તાલુકામાં માટી ચોરી
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
સાંતલપુર તાલુકા રેવન્યૂ વિસ્તારમાં આવેલી આડેસર વનવિભાગની જમીનમાં ધોળાં દિવસે કરોડોની કિંમતની ખનીજ ચોરીમાં ચોંકાવનારી વિગતો મળી રહી છે. પોતાની જમીન સાચવી શકવામાં નિષ્ફળ વનવિભાગે જાણે સ્વબચાવમાં શરૂઆતમાં એક એફઓઆર દાખલ કર્યો હતો. સાંતલપુર તાલુકામાં ભારતમાલા હાઇવે પ્રોજેક્ટનું કામ કરતી કંપનીને આડેસર ઘુડખર વનવિભાગે કાગળ તહોમતદાર બનાવી હતી. આ કાગળ ઉપરની ફરિયાદને ખૂબ સમય વીતી જતાં કોઈ કાર્યવાહી નહિ થતાં અનેક શંકાઓ ઉભી થઇ હતી. કંપની વિરુદ્ધ અથવા કરોડોની માટી ચોરીમાં શું કોઈ આરોપી સામે કાર્યવાહી થઈ કે કેમ ? આડેસર વનવિભાગના અધિકારીઓ રીતસર આ સવાલનો જવાબ ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં કરોડોની માટી ચોરીમાં અંદરોઅંદર રંધાઇ ગયું હોવાના તર્કવિતર્કો ઉભા થયા છે.
વનવિભાગની જમીનમાં ગેરકાયદેસર માટી ચોરીમ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામ પાસે ભારતમાલા હાઇવે પ્રોજેક્ટનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. આ કામ દરમ્યાન મઢુત્રા ગામ નજીક આવેલી આડેસર વનવિભાગની જમીનમાં ઘૂસી ધોળાં દિવસે કોઈ તસ્કરો માટી ચોરી ગયા હતા. આ માટી ચોરી અનેક દિવસો ચાલી છતાં આડેસર વનવિભાગને જાણ થઈ નહોતી. તસ્કરો કરોડોની માટી ચોરી કરી ગયા બાદ આડેસર વનવિભાગને જાણ થતાં તાત્કાલિક હરકતમાં આવી ભારતમાલા હાઇવે પ્રોજેક્ટનું કામ કરતી કંપની વિરુદ્ધ એફઓઆર દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી આડેસર વનવિભાગના ફોરેસ્ટ ઓફિસરે સીડીએસ કંપનીના કર્મચારીને પત્ર લખી જવાબ પણ લીધો હતો. હવે આ કંપની વિરુદ્ધ એફઓઆર દાખલ કર્યા પછી માટી ચોરી મામલે કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી. વનવિભાગના કાયદા મુજબ એફઓઆર દાખલ થયા બાદ થતી ધોરણસરની કાર્યવાહી થવી જોઈએ છતાં કેસ કેમ નબળો પડ્યો તે સૌથી મોટો સવાલ છે. 
સૂત્રોએ જણાવ્યું હતું કે, આડેસર વનવિભાગના તત્કાલીન આરએફઓ રાઠવાએ કડક કાર્યવાહીની વાત કરી હતી પરંતુ ત્યારબાદ આવેલા ઇન્ચાર્જ આરએફઓ વાગડીયા કેમ કોઈ ઠોસ કાર્યવાહી કરતા નથી ? માટી ચોરી થઇ એ વખતે આ વાગડીયા સિનિયર ફોરેસ્ટર હતા તો શું એમને નહિ ખબર હોય ? કરોડોની માટી ચોરી એક દિવસમાં નથી થઈ પરંતુ અનેક દિવસો સુધી ચાલી તો કેમ આ વાગડીયાજીને ધ્યાને ના આવી ? કંપની વિરુદ્ધ એફઓઆર નોંધ્યા પછી કેમ કોર્ટ કાર્યવાહી નથી કરતા ? ચર્ચા એવી પણ થઈ રહી છે કે, અંદરોઅંદર રંધાઇ જતાં આખો કેસ રફેદફે થઈ ગયો હશે. આવી સ્થિતિમાં ગુજરાત સરકારને લાખોની રોયલ્ટી મામલે ભારે નુકસાની વેઠવી પડી છે.