ગંભીર@સાંતલપુર: બીજીવાર પથ્થર કાઢવાની મંજૂરી બાકી છતાં બેફામ ખોદકામ કેમ? ગામલોકો ચોંક્યા
PATAN ,,,

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર


સાંતલપુર તાલુકા વિસ્તારમાંથી પસાર થતાં ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ માટે કાળા પથ્થરની જરૂરિયાત રહી છે. આથી નજીકમાં અગાઉ અપાયેલી લીઝ મામલે ખૂબ મોટા પ્રમાણમાં વિવાદો થયા હતા. જોકે હવે વધુ એક ગંભીર સવાલ ઊભો કરતી સ્થિતિ ગામલોકોના ફોટા અને વિડીયો આધારે સામે આવી છે. અગાઉ મંજૂર થયેલી લીઝનો સમયગાળો પૂર્ણ થતાં ફરીથી મંજૂરી માંગવામાં આવી છે. જોકે આખરી મંજૂરી મળે તેની રાહ જોયા વિના ખોદકામ શરૂ કરી દીધું છે ? આ સવાલ એટલા માટે ઉભો થયો કે,પાટણ ખાણખનીજ વાળા કહે છે કે, મંજૂરી પ્રક્રિયા હેઠળ છે અને બીજી તરફ ભૂગર્ભમાંથી પથ્થર કાઢવા આજે મશીનરી ચાલુ હોવાનું ખુદ ગામલોકો કહે છે. આવી સ્થિતિમાં લીઝના અરજદાર વિરુદ્ધ ગંભીર સવાલો ઉભા થયા છે.


પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામે છેલ્લા કેટલાક મહિના અગાઉ કાળા પથ્થરની લીઝ મંજૂર થઇ હતી. આ પથ્થરનો ઉપયોગ ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ માટે કરવામાં આવ્યો છે. આ લીઝનો સમયગાળો પૂર્ણ થતાં પાટણ ખાણખનીજની કચેરી સમક્ષ ફરીથી પરમિટ મેળવવા માંગણી આવી છે. જોકે હજુ સુધી પરમિટ મંજૂર થઇ નથી અને પ્રક્રિયા હેઠળ હોવાનું ખુદ ભૂસ્તરશાસ્ત્રી પ્રેમલાણીએ જણાવ્યું છે. હવે ગામલોકોએ આજે ચોંકાવનારી વિગતો જણાવતાં ખળભળાટ મચી ગયો છે. આજે તા. 30/5/2022 ના રોજ પથ્થર કાઢવા માટે વાહનો સહિતની અનેક મશીનરી સ્થળ પર આવી પહોંચી હતી. આ દરમ્યાન જમીનમાં ખોદાણ કરતાં જોઈ ગામલોકોએ સાચા ખોટાના સવાલો ઉભા કર્યા છે.

 હા, ખનન કામગીરી હાલમાં ચાલુ છે- હિરાભાઇ,ડેલિકેટ

શું આલુવાસ ગામે હાલમાં કાળા પથ્થરનું ખનન ચાલુ છે ? આવો સવાલ સ્થાનિક જનપ્રતિનિધિ એવા સાંતલપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હિરાભાઇને પૂછતાં જણાવ્યું હતું કે, હા હાલમાં આલુવાસ ગામે કાળા પથ્થરનું ખનન યથાવત છે. જો મંજૂરી પ્રક્રિયા હેઠળ હશે તો આવતીકાલે ગ્રામ પંચાયતના વહીવટદારને સાથે રાખી સ્થળ પર જઈશું


જો આજની તારીખે પણ આલુવાસ ગામે કાળા પથ્થરની એકમાત્ર લીઝની ફરીથી મંજૂરી માટેની ફાઇલ પ્રક્રિયા હેઠળ છે તો ખનન માટે ખાંડા કેમ કરવામાં આવી રહ્યા છે ? ભૂસ્તરશાસ્ત્રી અલખ પ્રેમલાણી કહે છે કે, પરમિટ મેળવવા અરજી આવેલી છે પરંતુ નિકાલ માટેની પ્રક્રિયા હાલ ચાલુ છે. આ સાથે એ પણ જણાવ્યું કે, આલુવાસ ગામે એકમાત્ર કાળા પથ્થરની લીઝ હતી જેની ફરીથી મંજૂરી માટેની અરજી આવી છે. હવે જો આખરી મંજૂરી મળી નથી તો ખનન કેમ થઈ રહ્યું છે ? કેમ લીઝ વાળી જગ્યાએ વાહનો સહિતની મશીનરી દોડાદોડ કરી રહી છે ? આ મશીનરી શું વહન કરી રહી છે ? શું અનઅધિકૃત ખનન થઈ રહ્યું છે કે કેમ ? આ તમામ સવાલોના જવાબ પાટણ ખાણખનીજ અને સાંતલપુર મામલતદાર કચેરીની પારદર્શક તપાસ બાદ સામે આવી શકે તેમ છે.