ઝડપાયા@સમી: દસ્તાવેજની નોંધો કાઢવી હોય તો રૂપિયા આપો, નાયબ મામલતદારને એક લાખ લેતાં ACBએ પકડ્યા
Sep 23, 2022, 20:53 IST

અટલ સમાચાર, પાટણ
પાટણ જિલ્લામાં ફરી એક વાર લાંચિયા અધિકારીને એસીબીએ ઝડપી પાડયો છે. પ્રાથમિક વિગતો મુજબ પાટણ જિલ્લાની સમી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અધિકારી આજે ACB ના સકંજામાં આવી ગયા છે. નાયબ મામલતદારે ફરિયાદી પાસે દસ્તાવેજોની નોંધો કાઢી આપવા રૂપિયા 1 લાખની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઈ તેમને એસીબીનો સંપર્ક કરતા ટીમે છટકું ગોઠવી લાંચિયા અધિકારીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડયો હતો.
ઉત્તર ગુજરાતમાં નાયબ મામલતદાર 1 લાખની લાંચ લેતા ઝડપાતા હડકંપ મચી ગયો છે. પાટણ જિલ્લાની સમી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અમરસિંહ રમણભાઈ ચૌધરી પાસે હાલમાં સમી સર્કલ ઓફીસર નો પણ ચાર્જ હતો. આ દરમ્યાન પંથકના એક ફરીયાદીએ પોતાની મિલ્કતના વેચાણ દસ્તાવેજ કરાવેલ હતા અને તે દસ્તાવેજની નોંધો કાઢી આપવા પેટે આ કામના આરોપી જે સમી વિસ્તારના સર્કલ ઓફીસરના ચાર્જમાં હોય તેઓએ ફરીયાદી પાસે આ કામ કરી આપવા લાંચ પેટે રૂ.1,00,000ની માંગણી કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઈ તેમને ACB નો સંપર્ક કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે. ફરિયાદી ની અરજી આધારે એસીબી બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ પાટણ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.સોલંકીએ સમી મામલતદાર ઓફિસમાં જ છટકું ગોઠવી આરોપી નાયબ મામલતદાર અમરસિંહ ચૌધરીને 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેતા હડકંપ મચી ગયો છે. આ સાથે આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ ACB ની કાર્યવાહીથી જિલ્લાભરના લાંચિયા અધિકારીઓ માં ફફડાટ ફેલાઇ ગયો છે.