હડકંપ@રાધનપુર: મામલતદારે દબાણ દૂર કર્યાનો પત્ર લખી દીધો કલેક્ટરને, હકીકતમાં દબાણ જૈસે થે, જૂઠ બોલ્યા❓

 
રાધનપુર મામલતદારનો પત્ર
શું નજીવું દબાણ દૂર કરવાથી પારદર્શક દબાણ હટાવ કામગીરી ગણી શકાય ? તો પછી બધા દબાણમાં આવું જ કરો તો ચાલે ?

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

રાધનપુર તાલુકાના ગામમાં સરકારી જમીન ઉપરના દબાણ લગતના એક કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. દબાણ દૂર કરવાની વારંવારની નોટિસ બાદ મામલતદાર આખરે પોલીસ સાથે દબાણ હટાવવા પહોંચ્યા હતા. બાદમાં કલેક્ટરને પત્ર મોકલી જાણ કરી કે, સદર કેસમાં દબાણ દૂર કર્યાનું પંચનામું સહિત મોકલી આપેલ છે. આ પત્ર જોઈ દબાણ દૂર થવા ઈચ્છુક જાગૃત નાગરિકો સ્થળ પર દબાણ યથાવત જોઈ ચોંકી ગયા હતા. આખરે સ્થાનિક નાગરિકે રાધનપુરના હાલના ઇન્ચાર્જ મામલતદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા નાયબ કલેક્ટરને ફરિયાદ કરી છે.

રજૂઆતનો પત્ર

 
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધરવડી ગામના રેવન્યુ સર્વે નંબર 383 સરકારી હેડે ચાલે છે. આ જમીન ઉપર સ્થાનિક વ્યક્તિએ દબાણ કરી ખેતીનુ વાવેતર કરી થોડું પાકું બાંધકામ પણ કરી દીધું હતું. જેની જાણ આધારે રાધનપુર મામલતદાર સમક્ષ દબાણ લગત કાર્યવાહીનો કેસ આવ્યો હતો. જે લગત રાધનપુર તાલુકા ઇન્ચાર્જ મામલતદાર મેડમે દબાણ દૂર કરવા દબાણકાર તળશીભાઇ ઠાકોરને નોટિસ ફટકારી હતી. વારંવારની નોટીસ સામે મુદત લેતા સમયગાળો ખૂબ લંબાઇ ગયો હતો. આખરે મામલતદારે દબાણ હટાવવા પોલીસ રક્ષણ સાથે કાર્યવાહી કરી હતી. હવે આખા ઘટનાક્રમમા સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે દબાણ હટાવ મામલે સ્થાનિકોને કંઈક શંકાસ્પદ જાણમાં આવ્યું. હકીકતમાં દબાણકારે સદર સરકારી જમીનમાં વાવેતર સાથે પાકું મકાન પણ બાંધી દીધું હતું. હવે જ્યારે દબાણ દૂર કરવા ગયેલી ટીમે માત્ર એક દિવાલનો ખૂણો પાડી દબાણ હટાવ કામગીરી આટોપી લીધી હતી. આ સમગ્ર વાત જાણી ગામમાં સેટિંગ્સ થયાની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે. આથી રાધનપુર તાલુકાના જાગૃત નાગરિકે સદર દબાણ હટાવ કેસમાં મામલતદારે દબાણ દૂર કર્યાનો કલેક્ટરને ખોટો રિપોર્ટ મોકલ્યાનો આક્ષેપ કરી કાર્યવાહીની માંગ કરી છે.

નાયબ કલેક્ટરને ફરિયાદ

 

રાધનપુર તાલુકાના એક ગામના જાગૃત નાગરિકે રાધનપુર મામલતદાર વિરુદ્ધ ખોટા પંચનામા કરી મોટાપાયે ગેરરીતિ આચરી ફોઝદારી ગુનો બનતો હોવાનો પત્ર નાયબ કલેક્ટરને આપ્યો છે. જેમાં મામલતદાર સામે સદર કેસમાં પોલીસ કેસ નોંધવા હુકમ કરવા રાધનપુર પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે. સૌથી મોટી વાત એ છે કે, શું સરકારી જમીનમાં નજીવું દબાણ હટાવવાથી દબાણ હટાવ કામગીરી પૂર્ણ ગણાય ? શું રાધનપુર તાલુકાના મહિલા મામલતદારે સંપૂર્ણ દબાણ નથી હટાવ્યુ ? શું ઇન્ચાર્જ મામલતદાર સદર કેસમાં કલેક્ટરને દબાણ હટાવી દીધાનો ગેરમાર્ગે દોરતો પત્ર લખી શકે ? આ તમામ સવાલો દબાણની હાલની સ્થિતિ જોતાં સ્થાનિક લોકોમાં બરોબરના ચર્ચાસ્પદ બન્યા હોઈ મામલતદારની પારદર્શકતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.