બનાવઃ અમરનાથ દર્શનાર્થે જઇ રહેલા પાટણના એક શ્રદ્ધાળુંનું ઓક્સિજન લેવલ ઘટી જતાં ત્યાંજ મોત

અટલ સમાચાર, ડેસ્ક
અમરનાથ દર્શનાર્થે જઇ રહેલા પાટણના એક શ્રદ્ધાળુંનું ઓક્સિજન લેવલ ઘટી જતાં ગુફાથી 10 કિ.મી. દૂર નિધન થયું હતું. શહેરના ચાર યુવકો અમરનાથ દર્શન કરવા ગયા હતા. જે દરમિયાન હાર્દિક રામી નામના યુવકનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું અને તેને શ્વાસની તકલીફ ઉભી થતાં તે ઘોડા પર જ ઢળી પડ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. યુવકના પાર્થિવદેહને શ્રીનગરથી અમદાવાદ વિમાન મારફતે લવાયો હતો અને વતનમાં તેની અંતિમ વિધિ કરતા આખું ગામ હિબકે ચડ્યું હતું.
જમ્મુ-કાશ્મીરનાં પવિત્ર યાત્રાધામ અમરનાથયાત્રા પ્રવાસે 'બરફીલા બાબા'નાં દર્શનાર્થે તા. 15મી જૂલાઇએ પાટણનાં ચાર મિત્રો હાર્દિક મુકેશભાઇ રામી, આશિત હેમંતભાઈ તન્ના, નીશુ ઠક્કર અને ક્રિશ પ્રજાપતિએ પ્રસ્થાન કર્યુ હતું અને મંગળવારે તા. 19મી જૂલાઇની સવારે 10 વાગે યાત્રાનાં માર્ગમાં હતા, ગુફાથી 10 કિ.મી. દૂર હાર્દિક મુકેશભાઇ રામીની તબીયત એકાએક લથડી હતી. અહીંની હવામાં ઓક્સિજન ઘટતાં તેનો શ્વાસ રુંધાઇ જતાં તે ઘોડા ઉપર જ ઢળી પડતાં આસપાસમાંથી લોકો અને અન્ય યાત્રાળુઓ દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી તેનું મૃત્યુ થઇ ચુક્યું હતું.
આ દરમિયાન હાર્દિકનાં પાર્થિવ દેહને બાલતાલ સોનમર્ગ લાવવામાં આવતાં અહીં હોસ્પિટલમાં લઇ જતાં તેનો કબજો પોલીસે લીધો હતો અને તેનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. ત્યારબાદ તેની બોડી સુપ્રત કરી હતી. હાર્દિકનાં પાર્થિવ દેહને અમદાવાદ અને પાટણ લાવવા માટે અને તેનાં મિત્રોને સરળતા રહે તથા કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે પાટણથી ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, આર.સી. પટેલ, હેમંતભાઇ તન્ના, ઉદય પટેલ વિગેરેએ સી.એમ. હાઉસમાં સંપર્ક કરતાં ગુજરાત સરકારનાં પ્રયાસોથી હાર્દિકનાં પાર્થિવ દેહને ફ્લાઇટમાં અમદાવાદ લાવવા મંજૂરી મળી હતી.