તપાસ@ઘુડખર: જંગલ જમીનમાં ઘૂસી કરોડોની ખનીજ ચોરી મામલે અરણ્યભવને મંગાવ્યો અહેવાલ

અરણ્યભવનના એપીસીસીએફ જયપાલસિંઘે સમગ્ર મામલે રિપોર્ટ મંગાવ્યો, હવે થશે મોટી કાર્યવાહી 
 
Aadesar forest range
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
સાંતલપુર વિસ્તારમાં પથરારેલી ઘુડખર અભયારણ્યની જમીનમાં થયેલી માટી ચોરી મામલે અસરકારક કામગીરી શરૂ થઈ છે. ""આડેસર ફોરેસ્ટ રેન્જ દ્વારા આરંભે શૂરા જેવું"" કર્યા બાદ મામલો ગાંધીનગર વનવિભાગ સમક્ષ ફરિયાદ પહોંચી હતી. આથી અરણ્યભવને સમગ્ર મામલે હકીકતલક્ષી અહેવાલ મંગાવી ધોરણસરની કામગીરી હાથ ધરી છે. અરણ્યભવનના એપીસીસીએફ જયપાલસિંઘે જણાવ્યું હતું કે, રિપોર્ટ મંગાવ્યો છે એટલે સોમવારે જોઈ આગળની કામગીરી હાથ ધરીશુ.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આડેસર ઘુડખર ફોરેસ્ટ રેન્જની જમીન આવેલી છે. વન વિસ્તાર અને તેમાં પણ ઘુડખર અભયારણ્યની જમીન હોઇ ગેરકાયદેસર ઈરાદા સાથેના પ્રવેશથી માંડીને અન અધિકૃત ખનન સહિતની પ્રવૃત્તિ નિયમાનુસાર દંડનીય છે. આવી કડક જોગવાઈઓ છતાં કેટલાક મહિના અગાઉ સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામ નજીક આવેલી ઘુડખર અભયારણ્યની જમીનમાં અસામાજિક તત્વોએ ધોળા દિવસે બેફામ માટી ચોરી કોઈ ચોક્કસ જગ્યાએ ઠાલવી હતી. અનેક દિવસો સુધી આ ગેરકાયદેસર ખનન ચાલુ રહ્યું હશે કેમ કે ખૂબ મોટા વિસ્તારમાં ખોદકામ કરી ચોર ટોળકીએ કરોડોની માટી ચોરી પાર પાડી હતી.
લાંબો સમય પોતાના વિભાગની જમીનમાં માટી ચોરી થતી રહી છતાં ઘુડખર ફોરેસ્ટ રેન્જના બિટગાર્ડથી માંડી ફોરેસ્ટર અને આરએફઓ સહિતના ઉંઘમાં રહ્યા હતા. આટલું જ નહિ રોયલ્ટી વિના કરોડોની માટી ઉઠાવી લેવામાં આવી હોઇ શંકાસ્પદ જણાતાં પાટણ ખાણખનીજે જે તે વખતે આડેસર ફોરેસ્ટ રેન્જને ખાત્રી મેળવવા સારું જાણ કરી હતી. આથી હરકતમાં આવેલા આડેસર ફોરેસ્ટ રેન્જના સત્તાધિશોએ આખરે કોઈ કંપનીને નોટીસ આપી જવાબ મેળવી મામલો અભેરાઈએ ચડાવી દીધો હતો. સ્થાનિકોએ માટી ચોરી દરમ્યાનના ફુટેજ આપ્યા છતાં આડેસર ફોરેસ્ટ રેન્જ દ્વારા કસૂરવારો શોધવામાં આવ્યા નહોતા. 
Aadesar ghudakhar range
આડેસર ફોરેસ્ટ રેન્જની મિલિભગત હોવાની આશંકા જણાતાં મામલો આખરે અરણ્યભવન સુધી પહોંચ્યો છે. ઓનલાઇન ફરિયાદને પગલે અરણ્યભવનના એડિશનલ પ્રિન્સીપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (જમીન) જયપાલસિંઘ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એપીસીસીએફ જયપાલસિંઘે જણાવ્યું હતું કે, રિપોર્ટ મંગાવ્યો છે, આવી ગયો હશે છતાં સોમવારે જોઈ લઈને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘુડખરની જમીનમાંથી માટી ચોરી થઇ એ સ્પષ્ટ છે કેમ કે, આડેસર ફોરેસ્ટ રેન્જે અગાઉ નોટીસ ફટકારેલી છે જ. આથી માટી ચોરીના કસૂરવારો કોઈપણ સંજોગોમાં શોધવા પડશે. આવી સ્થિતિમાં એપીસીસીએફ જંગલ જમીનમાં અન અધિકૃત ખનન મામલે ધોરણસરની કાર્યવાહી કરવા કઇ રીત અપનાવશે તે જોવું રહ્યું.