ઈરાદો@વારાહી: ગંજબજારમાં વેપારીનું લાયસન્સ આપવામાં સત્તાધિશોના ઠાગાઠૈયા, અરજદાર 5 મહિનાથી પરેશાન
Andubhai zazam
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
વારાહી ગંજબજારમાં સત્તાધિશોના વહીવટ અને ઈરાદાપૂર્વક થતી કામગીરીનો ઘટનાક્રમ સામે આવ્યો છે. વેપારી તરીકેનું લાયસન્સ લેવા માટે સ્થાનિક અરજદાર છેલ્લા કેટલાક મહિનાઓથી દોડધામ કરી રહ્યા છે. 2 વાર બોર્ડ મિટિંગ થઈ ગઈ છતાં વેપારી તરીકેનુ લાયસન્સ મળી શક્યું નહિ આથી અરજદારે સમગ્ર મામલે જિલ્લા રજીસ્ટ્રારને ફરિયાદ કરી છે. કોઈ એક પાર્ટીની વિચારધારા સાથે અરજદાર સંકળાયેલા હોઈ ચેરમેન અરજીને મંજૂરી આપવામાં ઠાગાઠૈયા કરતાં હોવાનો સવાલ ઉભો થયો છે. માર્કેટયાર્ડમાં વેપારીની સંખ્યા વધે તો ખેડૂતોને પણ પાકના ઉંચા ભાવ મળી શકે છતાં લાયસન્સ આપવામાં વિલંબ કેમ તે ગંભીર સવાલ બન્યો છે. આવો જાણીએ શંકાસ્પદ ઈરાદાઓ કેમ તેનો વિશેષ અહેવાલ.
Varahi apmc
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વારાહી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કાર્યરત છે. જેમાં ખેડૂતો, વેપારીઓ અને સંઘની મંડળી સહિતના મતદારો થકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ બોર્ડ મારફતે માર્કેટયાર્ડનો વહીવટ ચલાવી રહ્યા છે. વારાહી ગંજબજારની સ્થાપના બાદથી વેપારીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો અને સાથે ખેતીના પાકની આવકમાં પણ વધારો થતો આવ્યો છે. હવે જ્યારે વેપારીઓની સંખ્યા વધે તેમ છતાં વધવા દેવાતી નથી અથવા વધવા દેવા માટેની કાર્યવાહી વિલંબમાં રખાઇ રહી છે. હકીકતે ગત એપ્રિલ 2022 પછીના સમય દરમ્યાન અનેક અરજદારોએ ગંજબજારમાં વેપારીનું લાયસન્સ મેળવવા અરજી કરી છે. આ પછી બોર્ડ મિટિંગ પણ થઈ ગઈ છતાં લાયસન્સની અરજીઓ પૈકી કેટલીક નિકાલ થઈ નથી. ઝઝામ ગામના અને ચોક્કસ પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા અરજદારે વારાહી ગંજબજારમાં વેપારીનું લાયસન્સ મેળવવા કરેલી અરજી ઉપર નિર્ણય ખૂબ વિલંબમાં મૂકાયો છે. ગત 6 સપ્ટેમ્બરે બોર્ડ મિટિંગ મળી છતાં હકારાત્મક વલણ નહિ મળતાં અરજદાર ચોંકી ગયા છે‌.
Varahi marketyard
આ બાબતે વારાહી બજાર સમિતિના ચેરમેનને પૂછતાં સીધા જ બોલ્યા કે, સેક્રેટરીને પૂછો. આથી સેક્રેટરીને અમોએ પૂછ્યુ કે, ઝઝામના અણદુભા જાડેજાની લાયસન્સ અરજી બાબતે શું નિર્ણય લેવાયો. માત્ર નિર્ણય બાબતે પૂછ્યું તો પણ સેક્રેટરીએ ગોળ ગોળ જવાબ આપતાં કહ્યું કે, તમે રૂબરૂ આવજો આ બધી વાતો ફોનમાં ના કરાય. બોર્ડ મિટિંગમાં કોઈપણ લાયસન્સ અરજી બાબતે જ્યારે નિર્ણય કર્યો કે પેન્ડિગ રાખ્યું તેટલું પણ સેક્રેટરી જણાવી શક્યા નહોતા. આથી આ બાબતે પાટણ જિલ્લા રજીસ્ટ્રાર શિવપાલસિંહ ઝાલાને પૂછતાં જણાવ્યું હતું કે, વેપારી તરીકેના લાયસન્સની કોઈપણ પડી ના રહે, તેની પૂર્તતા થાય અથવા જો ડોક્યુમેન્ટની પૂર્તતા ના થાય તો નિકાલ થાય. તો હવે સવાલ એ થાય કે, શું ચેરમેન ઈરાદાપૂર્વક ચોક્કસ વિચારધારાના અરજદારને વેપારી તરીકેનું લાયસન્સ આપવામાં રોક લગાવી રહ્યા છે ??
શું કહે છે અરજદાર ?
આ બાબતે અરજદાર અણદુભા જાડેજાએ જણાવ્યું હતું કે, ગત એપ્રિલ મહિનામાં અરજી કરી છતાં લાયસન્સ આપવામાં ચેરમેન ઠાગાઠૈયા કરી રહ્યા છે. ગત 6 સપ્ટેમ્બરે બોર્ડ મિટિંગ મળી તો અમોને સૂત્રોએ જણાવ્યું કે, ચેરમેન મૌખિક રીતે લાયસન્સ આપવામાં મનાઇ કરી રહ્યા છે. આથી અમોએ પાટણ જિલ્લા રજીસ્ટ્રારને ફરિયાદ આપી જાણ કરી છે.
હાલમાં જેટલાં લાયસન્સ છે એ બધા વેપાર કરે છે ?
વારાહી ગંજબજારમાં અનેક વેપારીઓ લાયસન્સ ધરાવે છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર જોઈએ તો લાયસન્સ ધરાવતાં પૈકી તમામ વેપાર કરતાં નથી. જો લાયસન્સ છતાં કોઈ એકાદ લાયસન્સ ધારક પણ વેપાર કરતું ના હોય તો તેવા લાયસન્સ સામે શું થઈ શકે? એ સવાલ પણ છે. હવે જ્યારે ખરેખર કોઈ અરજદાર વેપાર કરવા ઈચ્છુક હોય અને ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો સાથે સંકળાયેલા હોય તો તેવા અરજદારને વેપારી તરીકેનું લાયસન્સ આપવામાં કેમ ઠાગાઠૈયા થાય ? આ સવાલોથી ઈરાદાપૂર્વક વાળી આશંકા વધુ ઘેરી બની છે.