લાલિયાવાડી@સાંતલપુર: જમીનમાંથી દૂર થતું નામ રાખ્યું અને વગર કારણે ચારને જમીનથી વંચિત કર્યા, મામલતદાર કચેરીનો કારસો

આથી તાત્કાલિક અસરથી સુધારા અરજી કરી છતાં ફરીથી ગોળ ગોળ અમલદારી કરી હતી. આથી એક હિસ્સેદારે છેક ગાંધીનગર સુધી રજૂઆત કરતાં સાંતલપુર મામલતદાર કચેરીએ પોતાની ભૂલ સ્વિકારી યોગ્ય હુકમ કર્યો છે.

 
patan b

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સાંતલપુર તાલુકા મામલતદાર કચેરીની મહેસૂલી કામગીરીમાં ભયંકર હદે લાલિયાવાડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાની રેવન્યૂ સર્વે નંબરની કુલ 2 જમીનમાંથી માતાએ પોતાનો હિસ્સો પુત્રને આપવા રજૂઆત કરી હતી. જેમાં માતાનું નામ દૂર કરી બાકીના 4 નામો યથાવત રાખવાના હતા. આ બાબતે હુકમ થતાં ઈ-ધરા નાયબ મામલતદારે મનસ્વી રીતે જમીનના હિસ્સેદારોને દૂર કરી દીધા હતા. આ પછી જમીનના ઉતારા જોઈ ખાતાના હિસ્સેદારો ચોંકી ગયા હતા. આથી તાત્કાલિક અસરથી સુધારા અરજી કરી છતાં ફરીથી ગોળ ગોળ અમલવારી કરી હતી. આથી એક હિસ્સેદારે છેક ગાંધીનગર સુધી રજૂઆત કરતાં સાંતલપુર મામલતદાર કચેરીએ પોતાની ભૂલ સ્વિકારી યોગ્ય હુકમ કર્યો છે.

patan d

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની મામલતદાર કચેરી ખેડૂત ખાતેદારોના જમીનના હક્ક જાળવી રાખવાને બદલે જમીનમાંથી કાઢવા બેઠી હોવાનો દાખલો બહાર આવ્યો છે. પીપરાળા ગામનાં સર્વે નંબર 1336 અને 769 વાળી જમીનમાં અગાઉથી માતા અને સંતાનો સહિત 5 નામો ચાલતાં હતા. જેમાં સૌથી વધુ હિસ્સો ધરાવતાં માતા દુર્ગાબેને પોતાનો 60 ટકા હિસ્સો 10 ટકા હિસ્સો ધરાવતાં ભાવેશભાઈને આપવા અરજી કરી હતી. જેમાં દુર્ગાબેનનુ નામ દૂર કરી સંતાનોનો હિસ્સો જાળવી રાખવા કહ્યું હતું. જેનો હુકમ થતાં અમલવારીની જવાબદારી મામલતદાર કચેરીની ઈ-ધરા શાખાને માથે આવી હતી. જોકે ઈ-ધરાના નાયબ મામલતદાર જીતેન્દ્ર પ્રજાપતિએ જમીનના ખાતામાં હિસ્સો ધરાવતાં 4 નામો દૂર કરી ચારેય ખેડૂતોને જમીનમાંથી વંચિત કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. આ બાબતની જાણ દુર્ગાબેનના સંતાનોને થતાં દોડધામ મચી ગઇ હતી. આથી તાત્કાલિક અસરથી સુધારા અરજી કરી 4 હિસ્સેદારોના નામ દાખલ કરી યથાવત કરવા માંગ કરી હતી. 

patan c

સૂત્રોએ જણાવ્યું હતું કે, સુધારા અરજી બાદ પણ ગોળ ગોળ અમલવારી કરી હોવાનું હિસ્સેદાર ભાવેશભાઈએ જણાવ્યું હતું. આ પછી ટ્વિટર મારફતે સાંતલપુર મામલતદાર અને નાયબ મામલતદાર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી રાધનપુર પ્રાન્ત અને કલેક્ટરના ધ્યાને લાવવા મથામણ કરી હતી. પોતાની કચેરીની ગંભીર કરતૂત સાંતલપુર મામલતદાર એમ.જી પરમારને ધ્યાને થતાં તાત્કાલિક અસરથી પોતાની ભૂલ સ્વિકારી ખાતેદાર દુર્ગાબેનનુ નામ દૂર કરી અન્ય 4 નામો જાળવી 10 ટકા હિસ્સો ધરાવતાં સંતાનને 70 ટકા હિસ્સો કરી આપવા સંબંધે હુકમ કર્યો છે. 

patan e

જમીનમાંથી નામો કાઢવા ગંભીર કૃત્ય

આ ઘટનાક્રમ જોતા સાંતલપુર મામલતદાર અને નાયબ મામલતદારે ભૂલ કરી એટલું ના કહી શકાય. કેમ કે કુલ 2 સર્વે નંબરમાં પહેલાંથી પોતાનો હિસ્સો ધરાવતાં 4 ખેડૂતોને ગેરકાયદેસર અને મનસ્વી રીતે ખાતામાંથી દૂર કર્યા એટલું નહિ જમીનથી વંચિત કર્યા પણ કહી શકાય. આ કેસમાં જે નામો દૂર થયા તે દુર્ગાબેનના સંતાનો પરંતુ જો આવી રીતે ભાગીદારો હોય અને એક ભાગીદારને રાખી અન્ય તમામને દૂર કરી દેવામાં આવે તો કેટલું ગંભીર બની જાય. આ કેસમાં મામલતદાર કચેરીની ભૂલ કે ક્ષતિ નહિ પરંતુ ફરજમાં સંપૂર્ણ બેદરકારી બદલ ધોરણસરની કાર્યવાહી થાય તેવી માંગ જમીનના હિસ્સેદાર ભાવેશભાઈએ કરી છે.