પાટણઃ લાઇટબીલ કેમ ફાડી નાખ્યું' કહી સાસુ- સસરાએ પુત્રવધૂને લાકડીથી માર માર્યો, સામ-સામે ફરિયાદ દાખલ

અટલ સમાચાર, ડેસ્ક
પાટણનાં સૂર્યનગર ભીલવાસમાં સવારે લાઇટબીલ ફાડવાનાં મામલે એક મહિલાને તેમનાં સાસુ સસરાએ લાકડીઓથી માર માર્યો હતો. જેથી મહિલાને માથામાં બે ટાંકા આવ્યાં હતા. આ ઘટનાને લઈ સામસામે ફરિયાદ નોંધાઈ છે. પુત્રવધૂને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાઈ
પાટણનાં સૂર્યનગર ભીલવાસમાં રહેતી એક પરિણીતાના સસરા લક્ષ્મણભાઇ અને સાસુ મુમઇબેને પુત્રવધૂને કહ્યું કે, અમારા ઘરનું લાઇટબીલ કેમ ફાડી નાંખ્યું છે. ત્યારે પુત્રવધૂએ કહ્યુ કે, મારી દિકરી સોનીયાએ રમતાં-રમતાં ફાડી નાંખ્યું છે. તેમ કહેતાં સાસુ અને સસરાએ ઉશ્કેરાઇ જઇને પરિણીતાને લાકડીથી માર માર્યો હતો. જેથી બુમો પાડતાં પડોશીઓ આવી ગયા હતા અને તેમને મારમાંથી છોડાવ્યાં હતાં. પરિણીતાને ધમકીઓ પણ અપાઈ હતી. લાકડીઓથી માર મારતા પુત્રવધૂને ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર માટે સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો.
આ બનાવ અંગે સામે પક્ષે સાસુ મમતાબેન ઉર્ફે મુમઇબેન લક્ષ્મણભાઈ નટબજાણીયાએ પણ પુત્રવધૂ સામે એવો આક્ષેપ કર્યો હતો કે, પુત્રવધૂને કહ્યુ કે, ઘરનું લાઇટબીલ કેમ ભરતા નથી. તેમ કહેતાં પુત્રવધૂએ ઉશ્કેરાઇને સાસુને લાકડીથી માર માર્યો હતો. જે અંગે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો.