હત્યા@હારિજ: ખૂનનો બદલો ખૂન ? સમાધાનના પ્રયાસો છતાં બીજી હત્યા, રબારી યુવકની હત્યામાં 5 આરોપી

એક વર્ષ પહેલાં બનેલી હત્યા બાદ ફરીથી સરાજાહેર હત્યાની ઘટના બનતાં હારિજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે ચિંતા 
 
Harij police station
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
હારિજ શહેરમાં જાહેરમાં ધોળાં દિવસે હત્યાની ઘટના બની જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. એકના એક પુત્રને સરાજાહેર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં તેના પિતાને આભ ફાટી પડ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ બાદ ફરિયાદ દાખલ થતાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. શું ખૂનનો બદલો ખૂન? હત્યાનું વેરઝેર ? શું ખૂની બદલો હતો ? આ તમામ સવાલો ઉભા થયા છે. ફરીયાદની વિગતો જોતાં રબારી સમાજના પરિવારો વચ્ચે ધાર્મિક પ્રસંગ બાદ અચાનક વેરઝેર વધી જતાં હત્યાની બીજી ઘટના બની છે. હારીજનાં સબરી પ્લાઝા કોમ્પલેક્ષ પાસે આજે સવારથી બપોર દરમ્યાન થયેલી હત્યાની ઘટના બાદ ફરિયાદમાં કુલ 5 આરોપી સામે આવ્યા છે.
પાટણ જિલ્લાના હારિજ શહેરમાં એક દોઢ વર્ષ બાદ ફરીથી સરાજાહેર હત્યાની ઘટના સામે આવી છે. અગાઉ રબારી યુવકની હત્યા બાદ ફરીથી રબારી યુવકની જ હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. આજે સવારે સાગર ઉર્ફે હાર્દિક દેસાઇ નામનો યુવાન પોતાના હારિજ સ્થિત ઘરેથી નીકળી હારીજના જ એક ખાનગી કોમ્પલેક્ષ પાસે આવ્યો હતો. આ બાબતની જાણ મેળવી અચાનક 2 યુવકો હાર્દિક દેસાઇ પાસે દોડી આવી ધારદાર હથિયાર વડે ગળાના ભાગે, છાતીના ભાગે અને શરીરના વિવિધ ભાગે ઉપરાછાપરી ઘા મારવા લાગ્યા હતા. આથી ગણતરીની મિનિટોમાં હાર્દિક દેસાઇ ઢળી પડતાં હત્યારાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસથી લોકોનું ટોળું એકઠું થયું હતું અને પોલીસ પણ દોડી આવી હતી. ઘટનાને પગલે પરિવારને જાણ થતાં મૃતક હાર્દિકના પિતા બાબરભાઇ સવાભાઇ દેસાઇ અને સગાં સંબંધીઓ દોડી આવ્યા હતા. ઘટના બાદ મૃતક હાર્દિકના પિતાએ હારિજ પોલીસ સ્ટેશને જે ફરિયાદ નોંધાવી તેની વિગતો જોતાં અદાવતમાં હત્યા થઈ હોવાનું જણાય છે. ખૂનનો બદલો લેવાના આશયથી કે વેરઝેરના કારણથી કે નફરતની આગથી આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત વર્ષ 2021 માં લાભુભાઈ કરમશીભાઇ દેસાઇ અને તેમના ભાઇ ઉપર હુમલો થયો હતો. જેમાં લાભુભાઈ દેસાઇ મરણ પામ્યા હોઈ ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં આરોપી તરીકે હારિજના હાર્દિક દેસાઇ અને ભલાણાના અનિલ દેસાઇ સહિતના હતા. આ ફરિયાદ બાદ હાર્દિક દેસાઇને કેટલાક મહિના અગાઉ જામીન મળ્યા હતા તો વળી અનિલ દેસાઇને ગણતરીના દિવસો પહેલાં જામીન મળ્યા હતા. જોકે આ ફરિયાદ દરમ્યાન સમાધાનના પ્રયાસો છતાં કેટલાક નારાજ રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આથી 2021 બાદ ફરીથી હત્યાની ઘટના બની જતાં એક જ બાબત ઉપર એકબીજા પરિવારને દિકરા ગુમાવવા પડ્યા છે. હાર્દિક દેસાઇની હત્યા બાદ થયેલી ફરિયાદમાં કુલ 5 આરોપીના નામ સામે આવ્યા છે. જેમાં નાગજી દેસાઇ, અનિલ ઠાકોર, ભીખાભાઇ દેસાઇ, મોતીભાઇ દેસાઇ અને મહેશ દેસાઇને આરોપી તરીકે નોંધી પોલીસે 302 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.