પોલીસ@પાટણ: સબજેલમાં પણ અસંતોષનો સળવળાટ, જેલ કર્મચારીઓએ પ્રોત્સાહન પેકેજ ફાળવવા કરી રજૂઆત

 
Patan police

અટલ સમાચાર, પાટણ 

ગુજરાત સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓ માટે જે પ્રોત્સાહન પેકેજ ફાળવવામાં આવ્યું છે. તે પેકેજ હવે જેલ કેડરના પોલીસ કર્મચારીઓને આપવામાં આવે તેવી માગ પાટણ જિલ્લા માંથી ઉઠી છે. વાત જાણે એમ છે કે, પાટણ સબજેલના પોલીસ કેડેરના કર્મચારીઓ દ્વારા જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી આ મામલે રજૂઆત કરવામાં આવી છે.

પાટણની સુજનીપુર સબજેલના પોલીસ કેડેરના કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્યના જેલ કેડર ખાતાના કર્મચારીઓ અને અધિકારીઓને પોલીસ ખાતાના કર્મચારી અને અધિકારીઓના સ્કેલ મુજબ જ પગાર કરવામાં આવતો હતો. પરંતુ 1986થી ચોથા પગારપંચ બાદ પોલીસ ખાતાના કર્મચારીઓ તરફથી સરકારમાં કરાયેલી રજૂઆત બાદ પોલીસ ખાતાના કોન્સ્ટેબલ, ઇન્સ્પેકટરના પગાર ધોરણમાં સરકારના ગૃહ વિભાગમાં ઠરાવ કરી આ કર્મચારીઓને દિલ્હી પોલીસના પગાર ધોરણ મુજબ સુધારો કરી આપવામાં આવ્યો છે. પરંતુ જેલ ખાતાના સંવર્ગના પોલીસ કર્મચારીઓના પગારમાં તે મુજબનો કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. 

આ સાથે તાજેતરમાં જ સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને રૂા.500 કરોડનું પ્રોત્સાહન પેકેજ ફાળવવામાં આવ્યું છે. તો આ પેકેજમાં જેલ કેડેરના પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં ન આવતા આજે પાટણ જિલ્લા મથક ખાતે આવેલી સુજનીપુર સબજેલના પોલીસ કર્મીઓ દ્વારા પ્રોત્સાહન પેકેજ ફાળવવા મુદ્દે જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ અંગે સુજનીપુર સબજેલના પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે, પ્રોત્સાહન પેકેજનો ઝડપથી લાભ આપવામાં આવે તેવી સરકારને અપીલ કરી છે.