પાટણઃ રખડતા ઢોરે વિધવા મહિલાને પેટમાં શિંગડુ મારતા પેટ ચિરાયું, ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
પાટણ શહેરના માર્ગો પર રખડતા ઢોરો ની સમસ્યાનું નિવારણ લાવવામાં નિષ્ફળ રહેલા પાલીકાનાં સત્તાધીશોના કારણે પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારમાં ગત રાત્રે વધુ એક મહિલા શિકાર બનતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હોય સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અટલ સમાચાર, ડેસ્ક
પાટણ શહેરના માર્ગો પર સોમવારની રાત્રે શહેરના સુભાષ ચોક નજીક અડિંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરોનાં ટોળામાંથી એક ગાયે શહેરના બગવાડા વણકર વાસમાં રહેતા ગોમતીબેન સોલંકી નામની વિધવા મહિલાને પેટના ભાગે શિંગડુ મારતા તેઓનું પેટ ચિરાય જતાં પુષ્કળ પ્રમાણમાં લોહી વહ્યું હતું. ત્યારે બનાવ દરમિયાન રોડ પરથી પસાર થતા રાહદારીઓએ મહિલાને ગાયનાં વધું મારથી છોડાવી ગંભીર હાલતમાં શહેરની ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરો અવાર નવાર રાહદારીઓ સહિત વાહન ચાલકો ને અડફેટે લેતાં હોવાની ઘટનાઓ બનતી હોવા છતાં આ રખડતા ઢોરોની સમસ્યાનું આજદિન સુધી પાલિકાનાં નિષ્ફળ નગર સેવકો સહિતના અધીકારીઓ દ્વારા નિવારણ નહી લવાતા પાટણના નિદોર્ષ લોકો રખડતા ઢોરોનો ભોગ બની રહ્યા હોય જેને લઈને શહેરીજનોમાં પણ પાલિકાના સત્તાધીશો સામે રોષ ફેલાયો છે.