પાટણઃ બનાવટી હેવી વાહન લાયસન્સ બનાવવાના સામે આવેલા કૌભાંડમાં પોલીસે માસ્ટર માઇન્ડને ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી

અટલ સમાચાર, ડેસ્ક
પાટણ પંથકનાં બાલીસણા વિસ્તારમાં ગયા મહિને બનાવટી હેવી વાહન લાયસન્સ બનાવવાના સામે આવેલા કૌભાંડની તપાસ કરતી પોલીસે આ બનાવનાં માસ્ટર માઇન્ડને ઉત્તરપ્રદેશમાંથી ઝડપી પાડ્યો. જે આરોપીને પાટણની જ્યુડીસીયલ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે આ આરોપી અશ્વિનિકાંત ઉર્ફે મોન્ટુ યાદવને લઇને આ કેસની વધુ તપાસ માટે પાટણથી 3000 કિ.મી. દૂર ઉત્તરપ્રદેશ ખાતે જશે. આ પકડાયેલા આરોપીએ પોલીસની પુછપરછમાં વધુ એક આરોપી પ્રમોદ ઉર્ફે ચિન્ટુ રામ સેવક યાદવ (રહે. નોબતપુરા. ઉ.પ્ર.)વાળાનું નામ પણ આપ્યું હતું. પ્રમોદની ભૂમિકા પણ બનાવટી હેવી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવામાં હોવાનું પોલીસે જણાવ્યું છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
આ અંગેની વિગતો એવી છે કે, પાટણ પંથકમાં બનાવટી હેવી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનાં કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરીને ચાર વ્યક્તિઓ સામે તા. 17-5-22નાં રોજ બાલીસણા પોલીસ મથકે આઇપીસી 420, 465, 467મુજબનો ગુનો નોંધીને ભાવિક રમેશભાઇ પટેલ, (બાલીસણા, તા. પાટણ) તથા નરેશ ઠાકોરની અટકાયત કરી હતી. જ્યારે સુલતાન કરીમસીંધી અને મોન્ટુ યાદવ નાસતા ફરતા હતા.
પોલીસે અશ્વિનીકાંત ઉર્ફે મોન્ટુ વિરેન્દ્ર યાદવને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગતા જે મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમાં મોન્ટુએ તેનાં સહઆરોપી પ્રમોદ પાસેથી બનાવટી લાયસન્સ બનાવ્યા હોવાની બાબતે તપાસ કરવાની છે. પકડાયેલા આરોપીએ સુલતાન સિંધીને પણ બનાવટી લાયસન્સ બનાવી આપ્યા છે અને સુલતાન નાસતો ફરતો હોવાથી મોન્ટુને સાથે રાકીને તેની અને પ્રમોદની તપાસ કરવાની છે તેથી રિમાન્ડ આપવા રજૂઆત કરી હતી.