રિપોર્ટ@વારાહી: માર્કેટયાર્ડમાં લાયસન્સ અનેક, જેમનો વેપાર નામ પૂરતો, જોકે ચૂંટણીમાં દોડધામ ભરપૂર

ડીરેક્ટરોએ કહ્યું, લાયસન્સ ધારક અનેક જોકે વેપારમાં સંખ્યા ઓછી હોઈ શકે પરંતુ જેને વેપાર કરવો હોય તો નવાને લાયસન્સ આપવા જ જોઇએ 
 
Varahi apmc
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
વારાહી ગંજબજારમાં સત્તાની હોડ અને વેપારના લાયસન્સને મોટો સંબંધ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કાયદેસરની પ્રક્રિયા હેઠળ લાયસન્સ મેળવવા મથી રહેલા અરજદારની અરજી વિલંબમાં મૂકાઈ છે. જેનાં ઊંડાણમાં જતાં લાયસન્સનાં આંકડા અને હકિકતલક્ષી વેપાર વચ્ચે મોટો તફાવત મળી આવ્યો છે. હાલની સ્થિતિએ જેટલા વેપારી લાયસન્સ ધરાવે છે તે તમામ ખેત ઉત્પાદનનું ખરીદ વેચાણના વેપારમાં સક્રિય નથી. એટલે કે, અનેક લાયસન્સ પૈકી કેટલાક લાયસન્સ નામ માત્રનો વેપાર અને રાજકીય ચૂંટણીમાં વોટ મામલે વધુ સક્રિય છે. આ બાબતે વારાહી ગંજબજારના ડીરેક્ટર લેબાજી ઠાકોરે પણ જણાવ્યું કે, હા ગણ્યાગાંઠ્યા જ વેપારમાં હોઈ શકે છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વારાહી ગંજબજારની ચૂંટણીમાં વેપારી વિભાગના મતો અન્ય વિભાગ કરતાં વધારે અગત્યના અને મહત્વના હોય તો નવાઇ નહિ. આ વાત એટલા માટે ઉદભવી કે, કેટલાક મહિનાઓથી ઝઝામના અરજદાર વારાહી ગંજબજારમાં વેપારી તરીકેનું લાયસન્સ મેળવવા મથી રહ્યા છે. કાગળોની પૂર્તતા કરી આપી છતાં લાયસન્સ આપવામાં ઠાગાઠૈયા થતાં હોવાનું અરજદાર અણદુભા જાડેજાએ જણાવ્યું હતું. હવે જ્યારે આ બાબતે ડીરેક્ટર લેબાજી ઠાકોર અને હરિસિંહ વાઘેલાને પૂછતાં જણાવ્યું હતું કે, લાયસન્સ આપવા જ જોઈએ, લાયસન્સ આપવામાં કોઈ વાંધો હોય જ નહિ. આ દરમ્યાન લાયસન્સ ધરાવતાં તમામ વેપાર કરે છે? આ સવાલ સામે જણાવ્યું કે, હા એવું બની શકે કે, લાયસન્સ વાળા તમામ વેપાર ના પણ કરતાં હોય. આટલી વાતથી એક બાબત સ્પષ્ટ છે કે, વારાહી ગંજબજારમાં વેપારીના લાયસન્સ બાબતે વેપાર ઓછો અને રાજકીય ઉપયોગ વધું હોવાનું પણ બની શકે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાછલા કેટલાક વર્ષોમાં વારાહી ગંજબજારમાં અનેક વેપારી લાયસન્સ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. આથી હાલે પણ અનેક અરજીનો વેપારી લાયસન્સ મેળવવા આવી રહી હોય. જોકે હકીકત જે લાયસન્સ થકી વેપાર સદંતર ના થતો હોય તેવા લાયસન્સનું શું સમજવું? શું આવા લાયસન્સ વેપારી વિભાગની સીટોમાં રાજકીય અસર આપવા/અપાવવા પૂરતાં રહ્યા છે? આ સવાલ ઉભા થતાં હોઈ રજીસ્ટ્રાર દ્વારા લાયસન્સની પેન્ડિગ અરજીઓ બાબતે તાત્કાલિક અસરથી તપાસ થાય તો ચિત્ર વધું સ્પષ્ટ થઇ શકે છે.