લાલિયાવાડી: સ્વચ્છતામાં સમી ફેઈલ, જાહેર માર્ગ ઉપર ગટરના પાણીનો કબજો, નળની જેમ વહી રહ્યું ગંદુ પાણી
સમી,

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સમી એક તો તાલુકો છે અને ગ્રામ પંચાયત પણ છે. તાલુકાના મુખ્ય મથકે આવતાં ગ્રામ પંચાયતના વહીવટનો ચોંકાવનારો નજારો જોવા મળે તેવી પરિસ્થિતિ સામે આવી છે. બસસ્ટેન્ડના પાછળના ભાગેથી તળાવ થઈને હાઇવે તરફ જતાં માર્ગનો કબજો ગટરના ગંદા પાણીએ લીધો છે. જાહેર માર્ગ ઉપર અનેક રાહદારીઓ અને વાહનચાલકો પસાર થતાં ગંદા પાણીનો સામનો કરવા મજબૂર થયા છે. જાણે કોઈએ ગંદા પાણીનો નળ ચાલુ મૂકી દીધો હોય તેમ રોડ ઉપર રીતસર પાણીની ધારી ચાલુ છે. આ પાણી રોડ પર ચાલતું ચાલતું બસસ્ટેન્ડ તરફ જઈ રહ્યું છે. સમી આવતાં અને ગામમાં રહેતાં લોકોને નજરે ચડતાં આ ગટરના ગંદા પાણીને કારણે સમી ગામ સ્વચ્છતામાં ફેઈલ ગયાનું સામે આવ્યું છે. ઢોલ નગારા પીટીને લગાવેલો સ્વચ્છ ભારત અભિયાનનો નારો સમીનો નજારો જોતાં ખૂબ ઠેસ પહોંચાડી રહ્યો છે.

smi

પાટણ જિલ્લાના સમી ગામમાં સ્વચ્છતાનો સર્વે થયો છે ? જો થયો હોય અને જો સારો રેન્કિંગ મળ્યો હોય તો આ સર્વે રિપોર્ટ સામે તપાસ થવા પૂરતી વિગતો મળી છે. સમી ગામમાં એક તો ઠેર ઠેર ગંદકીના ઢગ છે અને હવે છેલ્લા કેટલાય સમયથી જાહેર માર્ગ ઉપર ગટરના પાણીએ જાણે બેફામ ભરડો લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સમી બસસ્ટેન્ડના પાછળના ભાગેથી તળાવ તરફ જતો પાકો રોડ ગટરના ગંદા પાણીથી તરબોળ થઇ ગયો છે. આજુબાજુના ગામોથી તાલુકાના મુખ્ય મથક સમી આવતાં મહેમાનો ગંદા રોડ ઉપરથી પસાર થતાં મનમાં કેટકેટલું વિચારી રહ્યા છે. શું સમી ગ્રામ પંચાયત જાહેર રોડ ઉપર ગટરના ગંદા પાણીને રોકી શકતા નથી ? સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાત અભિયાનને ગંભીર ઠેસ નથી પહોંચતી ? સમી ગામની સ્વચ્છ માટે મળતી ગ્રાન્ટ કે પછી સમી ગ્રામ પંચાયત પાસેના ભંડોળથી સ્વચ્છતા પાછળ થતાં ખર્ચ નિષ્ફળ જઈ રહ્યા છે ? 

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

smi 1


સૂત્રોએ જણાવ્યું હતું કે, સમી ગ્રામ પંચાયતનો સ્વચ્છ વહીવટ છે કે કેમ તે સવાલ પણ એટલા માટે ઉભો થયો કે, આ ગટરનું ગંદુ પાણી જાણે રોડ ઉપર કોઈએ પાણીનો નળ ખુલ્લો મૂક્યો હોય તેમ બેફામ વહી રહ્યું છે. આ બાબતે પૂછતાં સમી ગ્રામ પંચાયતના તલાટી જાનીભાઇએ જણાવ્યું હતું કે, "અગાઉ રૂર્બન યોજના હેઠળ ગટરલાઇન નંખાઇ હતી પરંતુ તેમાં અનેક બ્લોકેજ થતાં ગંદુ પાણી બહાર આવી રહ્યું છે. જોકે તેનું રિપેરિંગ કામ ચાલુ છે. ગંદકી ખૂબ હોવા વિશે પણ કહ્યું કે, હા ગંદકીનો પ્રશ્ન છે પરંતુ આગામી સમયે ગ્રામ પંચાયતની નવી બોડી આવશે ત્યારે વહીવટી વધુ સારો થશે". 

સમી ગામને તલાટી કમ મંત્રી અને સરકારી વહીવટીદાર છે તો કેમ ગટરના પાણીનો રોડ ઉપરનો કબજો દૂર ના થાય ? સમી બસસ્ટેન્ડ ઉતરીને તળાવ તરફના માર્ગે જતાં મહેમાનો અને શંખેશ્વર હાઇવેથી તળાવ તરફથી સમી બસસ્ટેન્ડ તરફ જતાં લોકો પણ ગટરના ગંદા પાણીનો સામનો કરવા મજબૂર થયા છે.