સ્પેશિયલ@પાટણ: જિલ્લાના 180 ગામો સ્વચ્છતામાં પાછળ રહ્યાં ❓ઓડીએફ+ તબક્કો પૂર્ણ તો આજે અધૂરો છે❓
Patan drda
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
પાટણ જિલ્લામાં સ્વચ્છતાની બાબતે એક નવો જ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આજે ગ્રામ વિકાસ કમિશનર અને સચિવ સહિત જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાની માહિતી આપતાં વર્કશોપનું આયોજન થયું છે. *એન્યુઅલ ઈમ્પ્લિમેન્ટેશન* નામના પ્લાન હેઠળ પાટણ જિલ્લાના 180 ગામો શોધી તેની ચોક્કસ કામગીરી માટે પસંદગી કરવામાં આવી છે. આ ગામોમાં સ્વચ્છતા સહિત ગ્રામ વિકાસની યોજનાઓના સુચારુ અમલ માટે તલાટી/વહીવટદાર, સરપંચ, સદસ્યોને સમજ આપવાની વાત છે. તો હવે સવાલ એ ઉભો થાય છે કે, સ્વચ્છતા સહિતની યોજનાઓની કામગીરીમાં જવાબદારો 100% સફળ નથી રહ્યા ? આટલું જ નહિ કચરાના નિકાલ બાબતે અને ઓડીએફ પ્લસ બાબતે પણ ભારપૂર્વક ચર્ચા થવાની છે જેનાથી તેનો ભારપૂર્વક અમલ થાય. હવે આ બધી ચર્ચા અને સમજણ અગાઉ પણ ભારપૂર્વક કહેવાયેલી છે તો શું તેના અમલમાં જવાબદારો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા છે. જાણીએ સમગ્ર અહેવાલ.
પાટણ જિલ્લામાં રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ 100ટકા શૌચાલય, સુકા-ભીના કચરાના નિકાલ, જાહેર સ્વચ્છતા સહિતની કામગીરી ઘણા વર્ષોથી શરૂ થયેલી છે. આ પછી વિવિધ યોજનાઓમાં સુધારો અને અમલવારી પણ કડકપણે કરવા/કરાવવા ધ્યાન અપાયેલું છે. આ બધું થઈ ગયા બાદ આજે પાટણ જિલ્લામાં ગ્રામ વિકાસ કમિશનર, ડીડીઓ, ગ્રામ વિકાસ એજન્સી ડાયરેક્ટર સહિતના અધિકારીઓ ભેગા મળીને કેટલાક તલાટી/વહીવટદાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સમજણ આપશે. એન્યુઅલ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન નામના એક નેજા હેઠળ પાટણ જિલ્લાના 180 ગામોમાં સ્વચ્છતા બાબતે ખૂબ ધ્યાન આપવાની જરૂર હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ 180 ગામો સ્વચ્છ ભારત મિશન સહિતની યોજનાઓમાં ગ્રામ વિકાસ કમિશનર અને ડીડીઓની અપેક્ષા મુજબ રિઝલ્ટ આપી શક્યા નથી એ સવાલ બન્યો છે.
કેમ કે આજે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ગામોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર વિવિધ યોજનાકીય માહિતી આપતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી (ગ્રામવિકાસ) સાથે 180 ગામોના સરપંચ/વહીવટદાર અને તલાટીઓને આ વર્કશોપમાં સમજણ આપવામાં આવશે. આ દરમ્યાન યોજનાકીય સમજ, ટેક્નીકલ સપોર્ટ તેમજ અન્ય યોજના સાથે કન્વર્જન્સની કામગીરી સમજાવી તેનું સુચારૂ રૂપે અમલીકરણ કરાવવા મહેનત કરવાની છે. તો સવાલ એ ઉભો થયો છે કે, આખા રાજ્યમાં આ કામગીરી અગાઉ કરવામાં આવેલી છે અને અનેક ગામોમાં જોરદાર સફળતા મળી છે ત્યારે પાટણ જિલ્લાના 180 ગામોમાં જવાબદારોએ શું કર્યું?
સૂત્રોએ જણાવ્યું હતું કે, એક દિવસીય વર્કશોપમાં જિલ્લાના સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત આ 180 ગામોમાં ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો, વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો, ગામોને સ્વચ્છ, સ્વસ્થ અને ODF+મોડેલ બનાવવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવશે. હવે ઓડીએફ પ્લસનો તબક્કો તો ક્યારનોય પસાર થઈ ગયો અને એ પછી તો એલઓબી અને તે પછી એનએલઓબી તબક્કો પણ આવી ગયો. તો શું પાટણ જિલ્લામાં હજુ ઓડીએફ પ્લસનો તબક્કો અસરકારક અથવા તો સફળતા સુધી નથી પહોંચ્યો? આ સવાલોથી એક વાત નક્કી છે કે, પાટણ જિલ્લાના 180 ગામોમાં ગ્રામ વિકાસની યોજનાઓના અમલીકરણમાં ક્યાંક ત્રુટી રહી છે. અને આ વાતનો વધુ એક આશંકા જે રીતે ડીડીઓએ જણાવ્યું તે ઉપરથી પણ આવી જશે.
જાણો શું કહ્યું ડીડીઓ સોલંકીએ?
આ વર્કશોપ બાબતે પાટણ ડીડીઓ સોલંકીએ જણાવ્યું હતું કે, સરકાર સ્વચ્છતા સહિતની યોજનાઓમાં ગ્રાન્ટ આપે છે અને પ્રોત્સાહક રકમ પણ આપે છે. હવે જ્યારે સરકાર આટલું કરે ત્યારે જન પ્રતિનિધિઓએ ગામમાં સ્વચ્છતા, ખાબોચિયામાં ભરાઇ રહેતા પાણી સહિતની બાબતે વધુ ધ્યાન આપવું જોઈએ. મને અનેક ગામોમાં આ બાબતે વિગતો મળતાં ચિંતા થાય છે.