લાચાર@સાંતલપુર: કરોડોની માટી ચોરીની તપાસમાં સુરસુરિયું, વનવિભાગ અને સ્થાનિક તંત્ર લાચાર કે મજબૂર ?
reti

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર

સાંતલપુર તાલુકામાં ઘુડખર અભયારણ્યની જમીનમાં ધોળાં દિવસે હજારો ટન માટી ચોરી થયાને અનેક મહિના વીતી ગયા છે. જેમાં આડેસર વનવિભાગ દ્વારા આરંભે શૂરાની જેમ શરૂઆતમાં કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે આજે પરિસ્થિતિ એવી સામે આવી છે કે, કરોડોની માટી ચોરીની તપાસમાં સુરસુરિયું થયાનો ઘટસ્ફોટ થયો છે. સાંતલપુર તાલુકા વહીવટીતંત્ર અને આડેસર વનવિભાગ કરોડોની માટી ચોરીના ઈસમો વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી શક્યા નથી. તો સવાલ એ ઉભો થાય છે કે, ઘુડખરનું આડેસર વનવિભાગ અને સાંતલપુર સ્થાનિક તંત્ર કરોડોની માટી ચોરીની લાચાર છે કે મજબૂર છે ? વાહનોના નંબર સહિતના અનેક પુરાવાઓ છતાં આરોપીઓ કેમ મળતાં નથી ?

reti.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામ પાસે ઘુડખરની જમીન ખોદી અજાણ્યા ચોર ઈસમો અંદાજીત 5 કરોડથી વધુની માટી ચોરી કરી ગયા છે. આ ઘટનાને અનેક મહિનાઓ વીતી ગયા છતાં આડેસર વનવિભાગને આરોપીઓ જડતાં નથી. માત્ર એફઓઆર નોંધી રોજકામ કરી કરોડોની માટી ચોરીની તપાસમાં જાણે લાલિયાવાડી સર્જી હોય તેવું ચિત્ર ઉભરી આવ્યું છે. તપાસમાં માટી ચોરી કરતાં વાહનો અને વાહનોના નંબર પણ સ્પષ્ટ દેખાય છતાં આરટીઓ કચેરી પાસેથી વિગતો મેળવી નથી. તો શું આડેસર વનવિભાગ કરોડોની માટી ચોરીમાં કોઈ મજબૂરીથી પિડાઈ રહ્યા છે. આટલું જ નહિ સાંતલપુર મામલતદાર અને પાટણ જિલ્લા ખાણખનીજ કચેરી પણ કરોડોની માટી ચોરીના આરોપીઓ વિરુદ્ધ કોઇ જ કાર્યવાહી કરી શક્યા નથી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કરોડોની માટી ચોરી નજીકમાંથી પસાર થતાં ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાં વપરાઇ હોવાની પ્રબળ આશંકા છે. આથી વનવિભાગ નામ પૂરતું પ્રોજેક્ટના મેનેજરનુ નિવેદન લઈ આગળની કોઈ જ કાર્યવાહી કરી નથી. તો હવે સવાલ એ ઉભો થાય છે કે, કરોડોની માટી ચોરીના આરોપીઓ ક્યારેય નહિ પકડાય ? શું સરકારને કરોડોની રોયલ્ટી ચોરીનો ચુનો લગાવનાર સામે લાચારી છે ? ગુજરાત સરકારની કરોડોની ખનીજ ચોરી થઇ છતાં તંત્ર એક રૂપિયાની વસૂલાત નથી કરી શકતું ? આ તમામ સવાલોના જવાબ ખૂબ અગત્યના છે.