તલાટી@પાટણ: પંચાયતમાં ત્રાટકી એસીબી, 18 હજારની લાંચ લેતા મહિલા તલાટી ઝબ્બે, કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી લાંચ

બીલ પાસ કરવા મહિલા તલાટીએ કાયદાની ઐસીતૈસી કરી લાંચ માંગી, આખરે રંગેહાથ ઝડપાઇ ગયા 
 
ACB Trap in patan
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
ગઈકાલે ધાનેરા બાદ આજે પાટણ તાલુકામાં એસીબીએ સફળ ટ્રેપ કરી આરોપી કર્મચારીને ઝડપી લીધા છે. ગ્રામ પંચાયતમાં એસીબી ત્રાટકી હોવાનું સામે આવતાં જિલ્લા પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે. કોન્ટ્રાક્ટર પાસેથી 18 હજારની લાંચ લેતા મહિલા તલાટી રંગેહાથ ઝડપાઇ ગયા છે. કોન્ટ્રાક્ટરનું બીલ સરળતાથી પાસ કરવા મામલે લાંચની માંગણી કરી પરંતુ આ દરમ્યાન પાટણ એસીબીએ છટકું ગોઠવી ઝડપી લીધા હતા.
પાટણ જિલ્લાના પાટણ તાલુકા પંચાયત હેઠળની ગ્રામ પંચાયતમાં કર્મચારી દ્વારા લાંચ લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. દુધારામપુરા ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા પુષ્પાબેન ગોવિંદભાઈ પ્રજાપતિએ લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. હકીકતે દુધારામપુરા ગામે સ્થાનિક કોન્ટ્રાક્ટરે ગામની શાળામાં વરંડાનું કામ કર્યુ હતુ. તેનું બીલ રૂ.3,50,000/- થતું હતું આથી બિલની ચૂકવણી દરમ્યાન વહીવટી પ્રક્રિયાની સરળતા માટે મહિલા તલાટી પુષ્પાબેને રૂ.18,000/-ની લાંચ માંગી હતી. જોકે કોન્ટ્રાક્ટર લાંચના નાણાં આપવા માંગતા ના હોય એ.સી.બી. પાટણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદ આધારે પાટણ એસીબીએ સફળ ટ્રેપ કરવા લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેના અનુસંધાને મહિલા તલાટી લાંચની રકમ રૂપિયા 18,000/- સ્વિકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આરોપી તલાટીને ઝડપી લીધા બાદ એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટ્રેપમાં ટ્રેપિંગ અધિકારી તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. સોલંકી અને સુપર વિઝન અધિકારી તરીકે મદદનીશ નિયામક કે.એચ.ગોહિલની કામગીરી મહત્વપૂર્ણ બની હતી.