ગંભીર@હારીજ: લાખો રૂપિયાની કરી લીધી રેતી ચોરી, સાચી માપણી થશે તો બહાર આવશે સૌથી મોટો તોડકાંડ❓

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
હારીજ તાલુકાના ગામે ગત દિવસે ખાણખનીજ એકમે એક સાથે અનેક ડમ્પરો અને જેસીબી મશીનને રેતી ચોરી કરતાં વહેલી પરોઢે ઝડપી લીધા હતા. અનેક મિડીયામાં આ સમાચાર આવ્યા પરંતુ શું સમાચાર આટલા પૂરતાં જ છે ? જી નહિ. છેલ્લા કેટલાય મહિનાઓથી ખનીજ માફિયાઓ ખુલ્લેઆમ સંયુક્ત પ્રકારે રેતી ચોરી કરતાં હતા. આટલું જ નહિ સ્થાનિક સરપંચ, સ્થાનિક ધારાસભ્ય અને ગામલોકો પણ આ મસમોટી રેતી ચોરીથી ત્રાહિમામ હતા. ધોળાં દિવસે અનેક દિવસો સુધી રેતી ચોરી કરી છતાં ખનીજ માફિયાઓને જાણે વાળ વાંકો થતો નહોતો. આખરે રજૂઆત છેક ગાંધીનગર સુધી પહોંચી પણ હતી. તાત્કાલિક અસરથી હરકતમાં આવેલી પાટણ ખાણખનીજની ટીમે ગઈકાલે ગુરૂવારે કેટલાક ડમ્પરો અને મશીન રેતી ચોરી કરતાં ઝડપી લીધા. હવે જો રજૂઆતના સમય સહિતની બાબતો આધારે સાચી માપણી થાય તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ખાખલ નજીક રેતી ચોરીની વાત સાથે તોડ કાંડની ચર્ચા પણ પૂરજોશમાં ચાલી રહી છે.
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખલ ગામ નજીક બનાસ નદીના પટમાંથી રેતી ચોરીનો સૌથી મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. હકીકતમાં અહિંયા છેલ્લા કેટલાય મહિનાઓથી ગેરકાયદેસર રેતી ચોરી ચાલુ હતી. ગામલોકોએ પાટણ ખાણખનીજ અને છેક ગાંધીનગર સુધી રજૂઆત કરી ખનીજ માફિયાઓને પકડવા દોડધામ કરી હતી. જોકે કોણ જાણે કેમ પાટણ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી આ ખનીજચોરોને પકડી શકી નહોતી. વાત આટલી જ નહિ સ્થાનિક ધારાસભ્ય દીલીપભાઇ ઠાકોર પણ રેતી ચોરીનું નેટવર્ક જાણી ચોંકી ગયા હતા. આખરે પાટણ ખાણખનીજની ટીમે ગુરૂવારે પરોઢે એકસાથે 5 ડમ્પર અને 1 મશીન ઝડપી પાડી હારીજ પોલીસ સ્ટેશને ખસેડ્યા હતા. જોકે આ ઘટનામાં પણ ચોંકાવનારી ચર્ચા થઈ રહી છે કે, રેઈડ વખતે 5 નહિ 9 ડમ્પરો હતા. 1 નહિ 2 જેસીબી મશીન હતા અને આ પ્રકારના વોટ્સએપ મેસેજ પણ રેઇડ દરમ્યાન ફરતા થયા હતા.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
સૂત્રોએ જણાવ્યું હતું કે, અનેક દિવસો સુધી ખાખલ નજીક રેતી ચોરી કરી ખનીજ માફિયાઓએ બનાસ નદી પટમાં અનેક મીટર સુધી ખોદકામ કરી નાખ્યું છે. સંપૂર્ણ અનઅધિકૃત ખનનની જો પારદર્શક માપણી થાય તો 5 જેટલા ભાગીદાર ખનીજ માફિયાઓને સરેરાશ 30 લાખ જેટલો દંડ આવે તેવી શક્યતા સ્થાનિકોમાં ચર્ચાઈ રહી છે. આ મામલે ચાણસ્મા ધારાસભ્ય દીલીપભાઇ ઠાકોરે પણ જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાય દિવસો રેતી ચોરી ચાલતી હતી અને દાદાગીરી કરતાં ઈસમોના વિડીયો પણ પાટણ કલેક્ટરને મોકલી દીધા છે. અત્યારે કાર્યક્રમમાં હોઈ મારા ખાનગી માણસોને મોકલી વધુ તપાસ કરાવું છું"