પાટણઃ તળાવમાં ગટરનું કેમિકલયુક્ત પાણી ભળતાં હજારો નાની-મોટી માછલીઓનાં મોત
માછલી

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ શહેરના આનંદ સરોવરની જેમ પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણી ભળતાં તળાવમાં રહેલી માછલીઓનાં મોત નિપજતાં હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે પાટણ તાલુકાના રાજપુરના ગામ તળાવમાં ગટરનું કેમિકલયુક્ત પાણી ભળતાં અસંખ્ય માછલી મોતને ભેટી હોવાનું જાણવા મળ્યું છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સૂત્રો અનુસાર પાટણ તાલુકાના રાજપુર ગામના ખારી તળાવમાં ગામનું ગટરોનું કેમિકલવાળું પાણી ભળતા અને ખોરસમ કેનાલનું હાલમાં પાણી બંધ હોવાના કારણે તળાવમાં રહેલી હજારો માછલીઓનાં મૃત્યુ નિપજતાં ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. તો ગ્રામજનોનું માનવું છે કે તાત્કાલિક ધોરણે ખોરસમ કેનાલનું પાણી છોડવામાં નહીં આવે તો તળાવમાં રહેલી હજી હજારો જીવિત માછલીઓના પણ મૃત્યું થવાની પુરેપુરી શક્યતા રહેલી છે.

ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખોરસમ કેનાલ આધારીત નહેરોમાં પાણી છોડવાની ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે. ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણી ભળતાં અસંખ્ય માછલીઓનાં મોતને લઈને અસહ્ય દુર્ગંધ સાથે રોગચાળો ફેલાવાની ભીતી પણ ગ્રામજનોમાં પ્રબળ બનવા પામી છે. આ મૃતક માછલીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનોમાં ઉઠવા પામી છે.