ટ્રેપ@હારીજ: આઇટીઆઇમાં લાયસન્સના કામમાં સેટિંગ્સ, સુપરવાઈઝર અને પટાવાળાને કેવી રીતે પકડ્યા જાણો

 
Harij ACB

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જિલ્લામાં ફરી એકવાર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમે સપાટો પાડી સફળ ટ્રેપ પાર પાડી છે. આરટીઓની કામગીરી મળ્યા પછી અરજદારોને મદદરૂપ થવાને બદલે સેટિંગ્સથી બેનામી આવક ઉભી કરતાં આઇટીઆઇના કર્મચારી અને પટાવાળા આખરે લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા છે. મહેસાણા એસીબી પોલીસે આઇટીઆઇના સુપરવાઈઝર અને પટાવાળાને કાયદેસરની કામગીરી દરમ્યાન ગેરકાયદેસર રીતે લાંચ લેતાં ઝડપી લીધા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સફળ એસીબી ટ્રેપને પગલે પાટણ જિલ્લા વહીવટી આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

પાટણના હારિજ શહેરમાં આવેલી આઇટીઆઇ ખાતે વાહનના લાયસન્સ લગતની કામગીરી થાય છે. LMV ડ્રાયવીંગ લાયસન્સ મેળવવા સારૂ જાગૃત નાગરિકે આઇ.ટી.આઇ. કોલેજ, હારીજ ખાતે ઓનલાઇન ફોર્મ ભર્યુ હતુ. આ પછી અરજદાર તા.૧૮/૦૪/૨૦૨૩ ના રોજ આઇટીઆઇ કોલેજ હારીજ ખાતે ગયા હતા. ત્યાંથી સીક્યુરીટી ગાર્ડને મળતા પટાવાળાએ કહ્યું કે, કોમ્પ્યુટરના ટેસ્ટ માટે આઇટીઆઇના સાહેબને મળવું પડશે. તેમની પાસે અરજી પાસ કરાવવા અને લાયસન્સ કઢાવવા ઓનલાઇન ફોર્મ અને ફીના રૂ.૧,૨૦૦/- ભરવા પડશે. જ્યારે કોમ્પ્યુટરનો ટેસ્ટ પાસ કરવા અંદરના સાહેબના રૂ.૪,૦૦૦/- લાંચની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે રૂ.૩,૫૦૦/- માં કોમ્પ્યુટર ટ્રાયલની થિયરી પરીક્ષા પાસ કરાવી આપવાનુ નક્કી થયું હતુ. 

જોકે આ તરફ અરજદાર લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી મહેસાણા એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદી આપી હતી. ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામા આવ્યું હતુ. હારીજ બસસ્ટેશન પાસે પટાવાળા દિનેશજી અરજણજી ઠાકોર તેમના સુપરવાઈઝર વતી લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. એસીબીએ પટાવાળા દિનેશજી અને મૌલીકકુમાર રમેશભાઇ પટેલ, ઉ.વ.૩૨, ધંધો:-નોકરી-સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, હારીજ આઇ.ટી.આઇ. ખાતે, રહે,૨૪ સુવર્ણવિલા, સહારા ટાઉનશીપ, રાધનપુર રોડ, મહેસાણા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.