દુર્ઘટના@પાટણ: ભાઇ અચાનક કેનાલમાં લપસી જતાં બચાવવા નાની બહેન પણ પડી, ડૂબી જતાં શોધખોળ શરૂ
patan

અટલ સમાચાર, પાટણ

પાટણના કંબોઈથી ચંદ્રુમાણાની સીમ વિસ્તારમાં આવેલી કેનાલમાં ગત સાંજે પિતરાઈ ભાઈ બહેન ડૂબી જતાં યુધ્ધના ધોરણે શોધખોળ ચાલુ છે. કેનાલ પાસે પગ લપસતાં ભાઈ ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા જતાં નાની બહેન પણ કેનાલમાં પડી હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકો, પરિવારજનો અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કેનાલમાં ડૂબેલા ભાઈ બહેન પરિવારના એકના એક સંતાન હોઈ આખા ગામમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

પાટણ જિલ્લાના કંબોઈ ગામથી ચંદ્રુમાણાની સીમ વિસ્તારમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઉપર બુધવારે સાંજે 5 વાગ્યાના અરસામાં ખેડૂત પરિવારના સંતાનો ડીઝલ એન્જિન જોવા પહોંચ્યા હતા. જ્યાં મશીનમાં ડીઝલ નાખવા માટે ચંદ્રમાણા ગામનો યુવાન પટેલ ધ્રુવ નવીનભાઈ (ઉ.વ. 23)અને પ્રાચી પટેલ (ઉં.વ.11) ગયા હતા. તે દરમિયાન ડીઝલ એન્જિનમાં પાઇપ લીકેજ હોવાના કારણે યોગ્ય કરવા જતાં એન્જિનમાં નાખી ધ્રુવ પટેલ ડોલ ધોવા માટે કેનાલના કિનારે ગયો હતો. જ્યાં અંદર પગ રાખવા જતાં અચાનક લપસી ગયો હતો. આ દ્રશ્ય જોઈ કેનાલના કિનારે ઉભેલી તેની નાની બહેન પ્રાચી બૂમાબૂમ કરીને બચાવવા જતાં બંને કેનાલમાં સરકી ગયા હતા.

સમગ્ર ઘટનાની જાણ કેનાલ નજીકના ખેડૂતોએ ગામલોકોને કરતાં ભાઇ બહેનના પરિવારજનો અને ગામલોકો કેનાલ પર દોડી આવ્યા હતા. ગત સાંજથી બંને ભાઇ બહેનની શોધખોળ આદરી ચાલુ છે ત્યારે જીવતા રહે તેવી આશા સાથે પરિવારના ખૂબ ચિંતામા મૂકાઇ ગયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પિતરાઈ બહેન તેના માતા-પિતાની એકની એક દિકરી છે. જ્યારે તેનો પિતરાઇ ભાઇ ધ્રુવ નવીનકુમાર પટેલ પણ તેના પિતાનો એકમાત્ર દિકરો છે.