હાલત@રાધનપુર: ખખડધજ નેશનલ હાઈવે ઉપર હવે બાવળોનુ આક્રમણ, ડીવાઇડર પરના બાવળો હાઈવેમાં ઘૂસ્યા
patan

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

રાધનપુરથી પસાર થતો અને કચ્છ તરફ જતો નેશનલ હાઇવે પોતાના નામ જેવા લક્ષણો ધરાવતો નથી. ખાડાઓથી ભરચક રાષ્ટ્રીય ધોરીમાર્ગ અકસ્માતોની વણઝાર સર્જી રહ્યો ત્યારે હવે ઓથોરિટીની ભયંકર બેદરકારીનો સ્પેશ્યલ રીપોર્ટ લાવ્યા છીએ. નેશનલ હાઇવે ઉપર ક્યારેય બાવળોનુ રાજ/આક્રમણ હોય? ના જ હોય પરંતુ આ હાઇવે ઉપર હવે બાવળોનુ દબાણ વધી રહ્યું છતાં ભારત સરકારની ઓથોરિટીના પેટનું પાણી હલતું નથી. એટલી હદે નફ્ફટ થઈ ચૂક્યા છે કે, ડિવાઇડરની સફાઇ કરવાની વાત તો બાજુમાં રહી પરંતુ ડીવાઇડર ઉપરના બાવળો હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ઘૂસી રહ્યા છે. 

radhnpoor

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાંથી પસાર થતો અને કચ્છ જિલ્લાની હદમાં જતો ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અત્યારે વાહનચાલકોની ભયંકર નારાજગીનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ખખડધજ બની ગયેલો નેશનલ હાઇવે આજે તેના મૂળભૂત લક્ષણો પણ ગુમાવી ચૂક્યો છે. રાજ્યના અનેક હાઇવે પણ નેશનલ હાઇવેથી ટોપ ઉપર છે પરંતુ કેટલાક ગામડાનાં માર્ગને પણ સારા કહેવડાવે તેવી કક્ષાએ પહોંચી ગયો છે. ખાડાઓને કારણે વારંવાર અકસ્માત થતાં આખરે ઓથોરિટીના જવાબદારો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. 

radhnpoor

હવે આ નેશનલ હાઈવે માત્ર ખાડાઓને કારણે ખરાબ છે એવું નથી. શરૂઆતથી અંધારિયો રહેલો નેશનલ હાઈવે બાવળોના આક્રમણનો શિકાર બનતો જાય છે. મોટા ટોલટેક્સ વસૂલતી નેશનલ હાઈવે ઓથોરિટી ડીવાઇડરની સફાઇ કરવામાં નાપાસ સાબિત થઈ છે. ડીવાઇડર ઉપર બાવળો ઉગી ગયા બાદ આ બાવળો હવે નેશનલ હાઈવે ઉપર ઘૂસી રહ્યા છે. નિયમો મુજબ હાઇવેથી બે ફુટ સુધી ખુલ્લી જગ્યા રહેવી જોઇએ પરંતુ આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર બાવળોથી દબાણ ઉભું થયું છે. ડીવાઇડર ઉપરથી હાઇવે ઉપર બાવળો આવ્યા તો હાઇવેના બાજુની ખુલ્લી જગ્યામાં પણ હવે બાવળો ઉગી ગયા છે. એટલે કે બંને તરફના બાવળો બંને બાજુથી ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવી રહ્યા છતાં ઓથોરિટીના અધિકારીઓ બેધ્યાન રહ્યા છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર એક બાજુના માર્ગને સફેદ પટ્ટાથી અલગ બતાવાની નિશાની પણ નથી રહી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે જરૂરી કલરકામ, વિવિધ સુચનો અને વાહનચાલકોને માટેના માર્ગદર્શન પણ હવે દેખાતાં નથી. ગુજરાત સરકારના અનેક સ્ટેટ હાઇવે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કરતાં ઉચ્ચ ગુણવત્તા વાળા છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વાહનો ખરાબ થઇ રહ્યા, અકસ્માતમાં મોત થઈ રહ્યા, બાવળના આક્રમણ થઈ રહ્યા છતાં ટોલટેક્સ ઉઘરાવી વાહનચાલકોના પૈસા ઓછા કરી રહ્યા છે. આ નેશનલ હાઈવે સામે રાધનપુરથી ચાણસ્મા અને સમીથી કુંવર સહિતના રાજ્ય માર્ગો પણ વગર પૈસે મુસાફરી આપી સુપર સાબિત થઈ રહ્યા છે.