રસપ્રદ@પાટણ: જિલ્લાની કડક ઉઘરાણી બાદ હારીજ તાલુકા પંચાયતને તલાટીની ભૂલ દેખાણી

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
પાટણ જિલ્લા પંચાયત અને હારીજ તાલુકા પંચાયત વચ્ચે એક કિસ્સામાં તપાસ બાબતે કાગળ ઉપર ચર્ચા થઈ હતી. જેમાં કથિત ગેરરીતિ સામે જવાબદારો શોધવા દોડધામ થઈ હતી. સરપંચ સામે વસૂલાત કાઢવામાં આવી પરંતુ તલાટીની ભૂમિકા અંગે જિલ્લા પંચાયતને સવાલો હતા. આ તરફ તાલુકા પંચાયતે શરૂઆતમાં તલાટીને નોટીસ આપી ખુલાસો મેળવી લીધો હતો. જોકે સમગ્ર પ્રકરણમાં તલાટીની ભૂમિકા તપાસવા પાટણ જિલ્લા પંચાયતે હારીજ તાલુકા પંચાયતને સ્પષ્ટ અભિપ્રાય આપવા વારંવાર પત્ર લખ્યો હતો. સરેરાશ 8થી 10 મહિનાને અંતે હારીજ તાલુકા પંચાયતને અસરકારક ખબર પડી હોવાનું સામે આવ્યું છે. તલાટીનો ખુલાસો અને કથિત ગેરરીતિ ઉપર તપાસ બાદ હારીજ તાલુકા પંચાયતે તલાટીનો ખુલાસો વ્યાજબી નહિ હોવાનું શોધી તેના ઉપર અભિપ્રાય નક્કી કર્યો હોવાનું સામે આવ્યું છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સોઢવ ગામે અગાઉ એક માર્ગ બનાવવામાં આવ્યો હતો. જેમાં માર્ગનો કેટલોક ભાગ ખાનગી જમીનમાં બનાવ્યો હોવા બાબતની રજૂઆત બાદ તપાસ થઈ હતી. તપાસને અંતે સરપંચ સામે સરેરાશ 2 લાખ જેટલી વસૂલાત કાઢવામાં આવી પરંતુ તલાટીની ભૂમિકા બાકી હતી. તત્કાલીન તલાટી ઈલા પંડ્યાને નોટીસ આપી ખુલાસો મેળવી લીધો હતો. જોકે આ ખુલાસા ઉપર સ્પષ્ટ અભિપ્રાય બાકી હોવાથી પાટણ જિલ્લા પંચાયતે છેક ફેબ્રુઆરી 2021થી મથામણ હાથ ધરી હતી. જિલ્લા પંચાયતના પત્રવ્યવહાર સામે હારીજ તાલુકા પંચાયત કાગળો રજૂ કરી સંતોષ માનતી હતી. જેમાં તલાટી ઈલા પંડ્યાના ખુલાસા ઉપર ટીડીઓ સ્પષ્ટ અભિપ્રાય આપી શકતા નહોતા. જોકે વારંવારની ઉઘરાણીને અંતે હારીજ તાલુકા વિકાસ અધિકારીએ સોઢવ ગ્રામ પંચાયતના કથિત રોડ કૌભાંડમાં તલાટીને ભાવપત્રક બાબતે મળેલી વિગતોમાં જવાબદારી શોધી છે. જેના આધારે હવે તલાટીના ખુલાસા ઉપર સવાલો થતાં આગળની કાર્યવાહી કરવાનો અભિપ્રાય આપવા મથામણ હાથ ધરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સોઢવ ગ્રામ પંચાયતે એસ.ઓ.આરના ભાવ પ્રમાણે બીલોનુ ચૂકવણું નહિ કર્યાનું હારીજ તાલુકા પંચાયતે શોધી કાઢ્યું છે. જેમાં સરકારને તફાવતની રકમનું નુકસાન થયું હોવાનું ધ્યાને લીધું છે. આથી તત્કાલીન તલાટી ઈલા પંડ્યાએ રજૂ કરેલો ખુલાસો શંકાસ્પદ બનતો હોવાનું સૂત્રો આધારે સામે આવ્યું છે. આથી ખુલાસા સામે આગળની ઘટતી કાર્યવાહી કરવા હવે જિલ્લા પંચાયતને જણાવવામાં આવી શકે છે.