ખુશી@રાધનપુર: અદના કાર્યકતાને મળ્યો પાલિકા પ્રમુખનો ચાર્જ, કોંગ્રેસના સૌથી વફાદાર
રાધનપુર પાલિકાના ઈન્ચાર્જ પ્રમુખ
ભાજપના દબદબા વચ્ચે પણ કાનજીભાઈ કોંગ્રેસને મજબૂત કરવા મથી રહ્યા
અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર
રાધનપુર નગરપાલિકામાં આજે સત્તાનો સૌથી મોટો ફેરફાર સામે આવ્યો છે. મહેશ અદા રજા ઉપર જતાં ઉપપ્રમુખ કાનજીભાઈ પરમારને પાલિકાનું સુકાન મળ્યું છે. કોંગ્રેસના અદના કાર્યકર્તા કહી શકાય અને પાર્ટીના વફાદાર કાનજીભાઈને સતત એક મહિનો રાધનપુર નગરપાલિકા પ્રમુખની જવાબદારી મળી છે. જેથી આજે પાલિકાના નગરસેવકો સહિત સમર્થકોએ ખુશી વ્યક્ત કરી ઈન્ચાર્જ પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. 
પ્રમુખનો ચાર્જ
પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હોઇ પ્રમુખ મહેશ અદા છે. જોકે પ્રમુખ આજથી એક મહિના માટે રજા ઉપર જતાં હોઈ ઉપપ્રમુખ કાનજીભાઈ પરમારને પાલિકાનું સુકાન મળ્યું છે. તા. 25-11 થી આગામી 24-12 સુધી રાધનપુર નગરપાલિકા પ્રમુખની જવાબદારી કાનજીભાઈ પરમારને મળી છે. કોંગ્રેસના અદના કાર્યકર્તાથી શહેર પ્રમુખ સુધીના સમયગાળા દરમ્યાન રાધનપુર શહેરમાં ભાજપના દબદબા વચ્ચે કાનજીભાઈ પરમાર પોતાના ગણ્યાગાંઠ્યા સમર્થકો સાથે કોંગ્રેસને મજબૂત રાખવા ઝઝૂમતા રહ્યા છે. અગાઉ કારોબારી ચેરમેન બાદ કાનજીભાઈ પરમાર પ્રમુખ બને તેવી પ્રબળ સંભાવના વચ્ચે આખરે ઉપપ્રમુખની જવાબદારી મળી હતી. જોકે કાનજીભાઈએ કોંગ્રેસને વફાદાર રહી દરેક જવાબદારી બખૂબી નિભાવી છે. હવે એક મહિનો પણ રાધનપુર નગરપાલિકા પ્રમુખની જવાબદારી મળતાં કાનજીભાઈએ શહેરમાં વિકાસની ગતિ મજબૂત કરવા મથામણ શરૂ કરી છે.