તપાસ@પાટણ: શિક્ષકોની ખોટી બદલીઓ રદ્દ પરંતુ કૌભાંડીઓ બેફામ, કસૂરવારોને સજા ક્યારે❓દબાઇ ગઈ દર્દનાક કહાની

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
પાટણ જિલ્લામાં બહુચર્ચિત પ્રાથમિક શિક્ષકોની બદલીમાં ગેરરીતિ મુદ્દે એક તરફની તપાસમાં પરિણામ આવી ગયું છે. જેમાં સરેરાશ 80થી વધુ શિક્ષક-શિક્ષિકાઓની બદલી રદ્દ કરી દીધી છે. જોકે ગેરકાયદેસર રીતે બદલી કરનાર કૌભાંડીઓ હજુપણ બેફામ રહ્યા છે. અનેક વર્ષો રાહ જોયા બાદ સાચી રીતે બદલી થયાની આશા વચ્ચે ખુશ થયેલા શિક્ષક મિત્રોને જ્યારે ખબર પડી કે બદલી ખોટી હોઇ રદ્દ થઈ ત્યારે ભારે ચિંતાજનક સ્થિતિમાં આવ્યા હતા. આ તરફ બદલીના ગેરકાયદેસર હુકમો કરી હેરાન કરનાર કૌભાંડીઓને પણ સજા થવાની આશા હજુસુધી સફળ થઈ નથી. આવી સ્થિતિમાં અનેક શિક્ષકોની દર્દનાક કહાનીઓ દબાઇ ગઈ છે. જે કોઈ સંજોગોમાં બદલી થઈ હોય પરંતુ ગેરરીતિ મળી આવતાં સરકારે રદ્દ કરી તો સામે આ મસમોટી ગેરરીતિ કરનાર હજુ સુધી કેમ છાકટા ફરી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે. કેમ અને કેવી રીતે આ સમગ્ર ઘટનામાં દર્દનાક દાસ્તાન બની તે સમજીએ.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો
પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ત્યારે એટલો મોટો ખળભળાટ મચી ગયો કે જેની કોઈને કલ્પના પણ નહોતી. તત્કાલીન બદલી કેમ્પમાં કથિત કૌભાંડ થયું હોવાની રજૂઆત થતાં ગાંધીનગરથી તપાસ થઈ હતી. જેમાં તાત્કાલિક અસરથી બેથી ત્રણ તબક્કામાં સરેરાશ 80થી વધુ શિક્ષકોની બદલી રદ્દ કરી નિયામક કચેરીએ જુવાળ શાંત કર્યો હતો. આ પછી ગેરરીતિ હેઠળ બદલી કરનારા વિરુદ્ધ અહેવાલ તૈયાર થતો હોઈ મોટો વહીવટી ભૂકંપ આવી શકે તેવી ચર્ચા ગરમાઇ હતી. જોકે ગેરરીતિ આચરી બદલી કરનારા કસૂરવારો બેફામ રહ્યા હોવાથી દર્દનાક દાસ્તાનનો જઠરાગ્નિ ગરમાયો છે. જે કોઈ શિક્ષકોની બદલી રદ્દ થઈ તેઓ અનેક સંઘર્ષ બાદ એકસ્થળેથી બીજા સ્થળે પહોંચ્યાં હતા. આ બદલી ખોટી હશે તેની રદ્દ થશે તેની કલ્પના પણ ન હતી. જોકે ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું તે કહેવતની જેમ બદલી રદ્દ થતાં શિક્ષકોને ખુશી છીનવાઈ જવાનું તો ઠીક પરંતુ મોટો આઘાત સહન કરવાની નોબત બની હતી. આ આઘાત, દર્દ, ધ્રાસકો કે નુકશાની જે કોઈના કારણે આવી તે કસૂરવારો કેમ બચી ગયા? ગેરકાયદેસર હુકમો રદ્દ કરવાથી મામલો સમાપ્ત થઇ ગયો? તો પછી આ શિક્ષકોને ગણતરીના મહિનામાં આમથી તેમ કેમ કર્યા? આમથી તેમ ખોટી રીતે કરનારા કેમ છાકટા રહ્યા? રદ્દ બદલીમાં જે તે શિક્ષકોની ભૂમિકા નહોતી? જો નહોતી તો કેમ શિક્ષકોને ખોટી રીતે હેરાન કર્યા? તમામ સવાલો પાછળ રદ્દપાત્ર શિક્ષકોની વેદના છુપાયેલી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર હુકમો કરનારા શોધવા પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નિયામક કચેરી વચ્ચે પત્રવ્યવહાર થયો છે. તો પછી કેમ હજુ સુધી ખોટાં હુકમો કરનારાની જવાબદારી ફિક્સ થઈ નથી? આ જવાબદારી માત્ર પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળના કર્મચારીઓ પૈકી કોઈની છે. તો હજુસુધી કેમ કસૂરવારો કે ગેરરીતિના આકાઓ નક્કી નથી કરી શક્યા? જે કોઈ શિક્ષકો ખોટા હુકમોનો ભોગ બન્યા તેમની દર્દનાક કહાનીઓ પોકારી પોકારીને કહી રહી છે? કે ગેરરીતિ આચરી આજેપણ બેફામ ફરી રહ્યા તેને સજા ક્યારે? આ તમામ સવાલો રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગના પારદર્શક વહીવટ માટે અગત્યના છે.