રાધનપુર: ચીફ ઓફિસરની કારને સ્વચ્છ કરવા ક્લાર્કની મહેનત, બંનેને શહેરમાં અનેક ઠેકાણે ગંદકી ક્યારે દેખાશે?
Radhanpur palica
કારકૂને કહ્યું, સાહેબની કાર સાફ કરવી પડે, સાહેબ ભલે ના કહેતા હોય

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુર શહેર સ્વચ્છ થઈ ગયું છે? કોઈ ઠેકાણે ગંદકી નથી? આ સવાલો ત્યારે સામે આવી રહ્યા જ્યારે અધિકારીની કાર ચકચકાટ કરવા કારકૂન કામે લાગે છે. રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરની કારને સફાઇ કરતાં કારકૂનને જોઈ નવાઇની સ્થિતિ બની હતી. આથી કારકૂનને પૂછતાં જણાવ્યું કે, સાહેબની કાર સાફ કરવી પડે. હવે આ કારકૂન હજુ હમણાં સુધી સેનેટરી ઈન્સ્પેક્ટરની જવાબદારી સંભાળતાં હતા. આથી સાહેબની કારની જેમ શહેરને પણ એકદમ સ્વચ્છ કેમ નથી રાખી શકતા? તેવા સવાલો શહેરીજનોમાં ઉભા થયા છે. મૂળ ફરજ વિવિધ નોંધ રજીસ્ટર કરી દાખલા કાઢી આપવાની પરંતુ સાહેબની કાર સાફ કરવાની પણ જવાબદારી અદા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કાર પહેલાં શહેરમાં સ્વચ્છતા કરવી આવશ્યક હોવાની લોકોમાં માંગ ઉઠવા પામી છે. 

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ચીફ ઓફિસરની કારની જેમ સ્વચ્છતા થવી જરૂરી હોવાની વાતો થવા લાગી છે. આ વાતોને હવા એટલા માટે મળી કે જન્મ મરણના દાખલા કાઢતા કારકૂન કાર સાફ કરવામાં મહેનત કરી રહ્યા છે. હજુ એકાદ અઠવાડિયા પહેલાં રાધનપુર પાલિકામાં સેનેટરી ઈન્સ્પેક્ટરની કામગીરી જોતાં હિતેશભાઈ શહેરની સ્વચ્છતા બાબતે કેટલા સફળ રહ્યા તે સવાલ છે. જોકે કેટલાક દિવસોથી ચીફ ઓફિસરની કારને સફાઇ કરવામાં સફળ રહ્યા હોવાનું સામે આવ્યું છે. રાધનપુર પાલિકા કમ્પાઉન્ડમાં ચીફ ઓફિસરની કારના કાચને સાફ કરતાં કારકૂનનો વિડીયો સામે આવતાં સમગ્ર વિષય સામે આવ્યો છે. તો શું રાધનપુર શહેરને એકદમ સ્વચ્છ કરવાની મહેનત કરતાં ચીફ ઓફિસરની કારને ચકચકાટ રાખવાની મહેનત વધુ મહત્વની બની છે? રાધનપુર શહેરમાં ગંદકી નથી અને બધું સ્વચ્છ છે તેવા સવાલો પણ ઉભા થઇ રહ્યા છે.