રીપોર્ટ@શંખેશ્વર: રોડ બન્યાને તુરંત વાહનો પસાર થયા, ડામરની થિકનેશ શંકાસ્પદ હોવાનો ઘટસ્ફોટ

હજુ કામ ચાલે છે ત્યારે પાણીની લાઇન નાખી દેતાં ઉપર ડામર પાથર્યો, તિરાડો અને ખાડાઓ દેખા દેતાં થિકનેશના સવાલો
 
Sankhesvar road work
ટેન્ડર મુજબ સરેરાશ 5થી 6 ઈંચની થિકનેશ પરંતુ તૂટી ગયેલા રોડની હાલત જોતાં સવાલો બન્યા
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
શંખેશ્વર ગામથી કુંવારદ વચ્ચેના માર્ગનું કામ અંતિમ ચરણમાં છે ત્યારે વાહનો પસાર થતાં શંકાસ્પદ બાબતો ઉભરી આવી છે. ડામર પાથર્યાને ગણતરીના સમયમાં વાહનો પસાર થતાં દબાણને પગલે તિરાડો પડી ગઈ છે. જેમાં રોડની વિગતો દર્શાવેલ બોર્ડમાં અને તિરાડ બાદ દેખાઇ આવતાં દ્રશ્યોમાં ડામરની થિકનેશ શંકાસ્પદ જણાઇ આવી છે. 100 થી 150 એમએમની થિકનેશ સંદિગ્ધ હોવા બાબતે નાયબ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, એન્ટ્રી પોઈન્ટ ઉપર પાણી ભરાયા બાદ સમસ્યા થયેલ છે પરંતુ થિકનેશનો કોઇ સવાલ નથી અને બધું બરાબર હોવાનું કહ્યું હતું. 
Sankhesvar Road2
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકા પંચાયતના શંખેશ્વર ગામથી કુંવારદ સુધી સરેરાશ 8 કિલોમીટરનો માર્ગ બનાવવામાં આવ્યો છે. આ માર્ગની કામગીરી તેના અંતિમ ચરણમાં હોઇ વાહનો પસાર થઇ રહ્યા છે. જોકે વાહનોના દબાણથી કે અન્ય કોઇ કારણસર માર્ગની શરૂઆતમાં ખાડાઓ પડી જતાં માટી દેખાઇ આવી છે. માટી અને ડામર વચ્ચેનું અંતર શંકાસ્પદ જણાતાં થિકનેશ સામે સવાલો ઉભા થયા છે. રોડ કામ વિશે દર્શાવેલ વિગતોમાં ડામરની થિકનેશ 100 અને 150 એમ.એમ હોઇ ગુણવત્તા વિરુદ્ધ આશંકા બની છે. જેમાં નાયબ કાર્યપાલક ઈજનેર શાહે જણાવ્યું હતું કે, થિકનેશ બરાબર જ છે અને એન્ટ્રી પોઈન્ટ ઉપર અગાઉ પાણી ભરાયું હોઇ ભેજ થયો હતો. આથી કેટલીક સમસ્યા થઈ હતી પરંતુ એ બરાબર થશે. થિકનેશ જે પ્રમાણે દર્શાવી એ મુજબ જ હોવાનો દાવો કર્યો હતો. 
Sankhesvar Road3
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાણી ભરાયું હોય તો પણ ડામરની થિકનેશ કેવી રીતે ઘટી જાય? આજના દ્રશ્યો જોતાં પાણી ભરાયેલું નથી અને આસપાસના લોકોએ જણાવ્યું કે, હજુ હમણાં જ રોડનુ કામ કરી આગળ ગયા છે. આવી સ્થિતિમાં પાણી ભરાવાથી થિકનેશ બાબતે કેવી રીતે ફેરફાર ઉભરી આવે? સરેરાશ 8 કિલોમીટરના માર્ગ માટે સરકારે અંદાજીત 2 કરોડ 85 લાખનો ખર્ચ કર્યો હોઇ થિકનેશ કેમ શંકાસ્પદ બની તે સૌથી મોટો સવાલ છે.