કાર્યવાહી@રાધનપુર: માટીચોરી વિરુદ્ધ અટલ અભિયાન, સરકારી જમીન ખોદતાં પોલીસ ત્રાટકી, 4 સામે ગુનો દાખલ

અનેક સરકારી અધિકારીઓની જવાબદારી છતાં ખનનમાફિયા ઉપર કોણ જાણે કોની કૃપા હશે તે હાથમાં નથી આવતાં પરંતુ હવે પોલીસે આ કિસ્સામાં લાઇવ પકડ્યા
 
માટીચોરી પકડી રાધનપુર પોલીસે
આવી રીતે બાતમી આધારે મામલતદાર, પ્રાન્ત અને ખાણખનીજની ટીમ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે તેવી લોક માંગ
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
પાટણ જિલ્લામાં સાંતલપુર અને રાધનપુર તાલુકામાં ઘણા સમયથી સરકારી,ગૌચર અને માલિકીની જમીનો ઉપર ખનનમાફિયા બેફામ ખોદકામ કરી રહ્યા છે. જિલ્લા ખાણખનીજ અનેકવાર અજાણ રહેતાં લાખો કરોડોની માટી ચોરાઇ જાય છે. માટીચોરી વિરુદ્ધના અભિયાન તળે બીજી કચેરીઓ કરતાં રાધનપુર પોલીસે હવે આક્રમક વલણ લીધું છે. સરકારી જમીનમાં અપપ્રવેશ કરી બેફામ માટી ખોદતાં ઈસમોને પકડવા પોલીસ ત્રાટકી હતી. જ્યાં જેસીબીનો ડ્રાઈવર મળી આવતાં પૂછપરછમાં જણાવેલ કે, શબ્દલપુરાના ઈસમના કહેવાથી ખોદકામ કરતા જેની સક્ષમ અધિકારીએ મંજૂરી આપેલ નથી. આથી પોલીસે કુલ 4 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 
રાધનપુર પોલીસ સ્ટેશન
પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર પંથકમાં ગેરકાયદેસર માટી ખનનનો સીલસીલો ઘણા સમયથી યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લા ખાણખનીજ, મામલતદાર, પ્રાન્તની જવાબદારી હોવા છતાં માટીચોરી બેફામ જોવા મળે છે. શું ચોક્કસ સત્તાની રહેમનજર તળે માટીચોરી અટકતી નથી? જંગલની અને સરકારની જમીનો ખોદાઈ ગઈ હોવાના પુરાવા જોવા મળી રહ્યા છે. આટલું જ નહિ માટીચોરીની જાણ અરજદારો કરતાં હોય છતાં સ્થાનિક તંત્રની ઢીલી નીતિ જોવા મળતાં અનેક શંકા કુશંકા ઉભી થઈ રહી છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે રાધનપુર પોલીસે લાઈવ માટીચોરી પકડી ગુનો દાખલ કરી દીધો છે. જે.સી.બી. અને તેના ડ્રાઈવરને પકડી કાર્યવાહી કરતાં ભુમાફિયાઓમાં ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર મામલે રાધનપુર પી.આઈએ જણાવ્યું હતું કે, બાતમી મળતાં તપાસ ટીમ રાધનપુર જીઆઇડીસીના પાછળના ભાગે પહોંચી હતી. જ્યાં 5 ટ્રેક્ટર ચાલકો સ્થળ ઉપરથી નાસી ગયા હતા પરંતુ 1 જેસીબી સહિત ડ્રાઇવરને પકડી લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછમાં પોલીસે વિગતો મેળવી શબ્દલપુરાના ભરવાડ અરજણ અને રાધનપુરના રાવળ બદાભાઇના કહેવાથી માટી ખોદતાં હતા. જેમાં કોઈ સક્ષમ અધિકારીની મંજુરી ના હોવાથી કુલ 4 આરોપી વિરુદ્ધ IPC કલમ- 379, 447, 120 બી તેમજ મોટર વાહન અધિનયમ-177, 3, 181 મુજબ ગુનો દાખલ કર્યો હતો.