બેધ્યાન@સાંતલપુર: વધુ એક શંકાસ્પદ મોટું ખોદકામ, ખરાઇ કરતાં મામલતદારે ઢોળ્યુ ખાણખનીજ ઉપર
સાંતલપુર માટી ખનન
મામલતદારે શંકાસ્પદ ખનનનુ સાંભળીને કેમ નજર અંદાજ કર્યું તે સૌથી મોટો સવાલ
અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર
સાંતલપુર તાલુકામાં વધુ એક શંકાસ્પદ ખોદકામ મળી આવ્યું છે. ખૂબ મોટા પ્રમાણમાં માટી ઉઠાવી લીધી હોઇ મઢુત્રાની જેમ સીડીએસ કંપની ઉપર આશંકા છે. સંભવતઃ આ જગ્યા માલિકીની હોઈ માટીચોરી કે રોયલ્ટી ચોરીની ખરાઇ કરતાં મામલતદારે ચોંકાવનારો જવાબ આપ્યો હતો. સાંતલપુર મામલતદારને ધ્યાન દોરવા છતાં તપાસ કરવાને બદલે સર્વે નંબરની વિગતો પણ આપી નહોતી. વિગતો આપવાને બદલે જાણે પોતાની કોઇ જવાબદારી ના હોય તેમ ખાણખનીજને વાત કરવા આગ્રહ કર્યો હતો. અહીં મામલતદાર એ વાત ભૂલી જાય છે કે, ખાણખનીજને ધ્યાન દોરતાં સર્વે નંબર હોય તો કચેરીમાં જ પ્રાથમિક સ્પષ્ટતા થઈ જાય છે. તો કેમ સાંતલપુર મામલતદાર પ્રાથમિક તપાસ કરવામાં કે માત્ર સર્વે નંબરની વિગતો આપવામાં માનતા નથી? આ સવાલ પણ અનેક રીતે શંકા ઉપજાવે છે. 
પાટણ જિલ્લામાં માટીચોરી વિરુદ્ધના અભિમાન અંતર્ગત સાંતલપુર તાલુકામાં વધુ એક શંકાસ્પદ ખોદકામ મળ્યું છે. સાંતલપુર ગામથી નેશનલ હાઇવે પર જતાં રાધે હોટેલની સામે ખેતીવાડી જમીનની બાજુમાં મોટાપાયે ખોદકામ થયેલું છે. આ ખોદકામ નજીક જ ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ પસાર થતો હોઇ માટી ત્યાં ઠાલવી હશે? તેવો સવાલ ઉભો થયો છે. હવે આ ખોદકામની મંજૂરી હતી? મંજૂરી બાદ પૂરતી રોયલ્ટી ભરી હતી? અધિકૃત છે કે કેમ? તે સહિતની વિગતો આવશ્યક બની છે. આથી પ્રાથમિક તબક્કે સ્થાનિક ઓથોરિટીને જાણ કરતા અને વિગતો મેળવતાં ચોંકાવનારી નોબત બની હતી. સાંતલપુર મામલતદારને શંકાસ્પદ ખોદકામની વાત કરતાં પ્રાથમિક તપાસની વાત તો દૂર રહી કમસેકમ સર્વે નંબરની વિગતો પણ આપી શક્યા નહોતા. સર્વે નંબર બાબતે પૂછતાં મામલતદારે જણાવ્યું હતું કે, ખાણખનીજને જાણ કરો. આથી ખરાઇ કરવા જમીનનો સર્વે નંબર પણ વ્યસ્ત હોવાનું કહી આપ્યો નહોતો. આવી સ્થિતિમાં વિસ્તારમાં માટીચોરી બાબતે સ્થાનિક તંત્રનો અભિગમ સૌથી વધુ સવાલ બનાવી રહ્યો છે. 
સૂત્રોએ જણાવ્યું હતું કે, માટીચોરી અટકાવવી, માટીચોરી પકડવી, ખોદકામ થયા પછી માટીચોરી હતી કે કેમ ? તે તમામ બાબતો માત્ર જિલ્લા ખાણખનીજ ટીમ નહિ પણ સ્થાનિક સરપંચ, તલાટીથી માંડી મામલતદાર અને પ્રાન્ત સહિતનાની જવાબદારી છે. આટલું જ નહિ જાગૃત નાગરિકો પણ શંકાસ્પદ ખોદકામ બાબતે સ્થાનિક તંત્રને અવગત કરી આગળની કાર્યવાહી કરવા સુચિત કરી શકે છે. જોકે સાંતલપુર તાલુકામાં કરોડોની માટીચોરીની ઘટના જોતાં સ્થાનિક તંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.