બ્રેકિંગ@સાંતલપુર: જમીન ખોદી કરોડોની માટી ચોરી, વન અને ખનીજ ખાતાં માટે ચોંકાવનારી નોબત
patan

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ


સાંતલપુર તાલુકાના હાઇવે ઉપરના ગામ પાસે ખનીજ ચોરીની અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. જમીન ખોદી કોઈ ઈસમોએ ખૂબ મોટા પ્રમાણમાં માટી ઉઠાવી લીધી છે. બજારની સ્થિતિએ ગણીએ તો કરોડોની કિંમતની માટી ચોરી લેવામાં આવી છે. પરવાનગી વિના અને રોયલ્ટી  ભરવાનું પણ બાજુમાં રાખીને ઈચ્છા મુજબ જરૂરીયાત પ્રમાણે માટી ઉઠાઇ લેવામાં આવી છે. જેની જાણ થતાં પાટણ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા સ્થળ તપાસ કરી જમીન સંબંધિત વિભાગને જાણ કરી હતી. માટી લેવાઇ તે જગ્યા ઘુડખર હેઠળ આવતી હોઇ આડેસર ફોરેસ્ટ રેન્જ દ્વારા ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામ પાસે ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ હાઇવે પાસે કેટલાક મહિના અગાઉ ખૂબ મોટા વિસ્તારમાં માટી ખનન થયું હતું. જેની જાણ પાટણ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીને થતાં તાત્કાલિક અસરથી સ્થળ તપાસ કરી હતી. જેમાં મોટી ખેત તલાવડી કહી શકાય તેવા ખૂબ મોટા વિસ્તારમાં બિન અધિકૃત માટી ખનન થયુ હોવાનું સામે આવ્યું હતું. જમીન માલિકી શોધવાના ભાગરૂપે તપાસ કરતાં ઘુડખર હેઠળ હોવાનું પ્રાથમિક તબક્કે મળ્યું હતું. આથી પાટણ ભૂસ્તરશાસ્ત્રી દ્વારા આડેસર ફોરેસ્ટ રેન્જને જાણ કરતાં તપાસ થઈ હતી. જેમાં આડેસર આરએફઓ દ્વારા એફઓઆર નોંધી અજાણ્યા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે આ ઘટનાક્રમ વચ્ચે મોટો ઘટસ્ફોટ પણ થયો છે. કેમ કે આ ઘુડખરની કેટલીક જમીન પાટણ વહીવટ તંત્ર દ્વારા સ્થાનિક લોકોને ફાળવી હોવાનું ખુદ આરએફઓ રાઠવાએ જણાવ્યું છે. 

 patan


સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌથી મોટો સવાલ કાગળ ઉપર આ ખોદકામ વાળી જમીન ઘુડખર કે માલિકી તે બાબતનો છે. જેમાં આરએફઓ રાઠવાએ જણાવ્યું હતું કે, ઘુડખરની હોઇ સ્થાનિક 5થી 7 વ્યક્તિઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ તરફ પાટણ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી ઘુડખર ફોરેસ્ટ રેન્જનો જવાબનો રાહ જોઈ રહી છે. તો બીજી તરફ મઢુત્રા તલાટીએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતના અભિપ્રાય વિના ખનન થયું હોવાથી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ સાંતલપુર મામલતદારને રિપોર્ટ કરવામાં આવશે. ત્રણેય કચેરીના કર્મચારીઓ હજુ સુધી અજાણ્યા ઈસમો શોધી શક્યા નથી. તો વળી તંત્ર દ્વારા માટી ખનન સામેની રોયલ્ટી પણ વસૂલાત થઇ નથી.

patan 2

સૌથી મોટું માટી ખનન છતાં બધા ઊંઘતા ઝડપાયા

ભારતમાલા પ્રોજેક્ટની એકદમ નજીક સૌથી મોટું માટી ખનન અનેક દિવસો સુધી ચાલ્યું હતું. કરોડોની કિંમતની માટી ઉઠાવી લેવામાં આવી છતાં સંબંધિત ગ્રામ પંચાયત, સંબંધિત ફોરેસ્ટ રેન્જ, મામલતદાર અને ભૂસ્તરશાસ્ત્રી સહિતની કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ અજાણ રહ્યા હતા. હવે મઢુત્રા ગ્રામ પંચાયત, આડેસર ફોરેસ્ટ રેન્જ અને પાટણ ભૂસ્તરશાસ્ત્રી સહિતના માટી ખનન કરનારને શોધી રહ્યા છે. આ બાબત પારદર્શિતા અને પ્રો એક્ટિવ ગવર્નન્સ સામે અનેક સવાલો ઉભા કરે છે.