શોધખોળ@રાધનપુર: ધોળાં દિવસે 5 કરોડની માટી ચોરાઇ, પુરાવા માટે તંત્રની દોડધામ, ભારતમાલા પ્રોજેક્ટ ઉપર આશંકા

માટીચોરોની શોધખોળ વચ્ચે વનવિભાગને કેટલીક તસવીરો અને વિડીયો મળ્યા હોઇ વાહન નંબર આધારે તપાસ તેજ કરવામાં આવી છે. 

 
radnpoor

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


સાંતલપુર તાલુકામાંથી નિકળતાં ભારતમાલા હાઇવે નજીક ખૂબ મોટા વિસ્તારમાં કોઈ ધોળાં દિવસે કરોડોની માટી ચોરી કરી પલાયન થઈ ગયું છે. ઘુડખરના સર્વે નંબરમાં વનવિભાગને પૂછ્યા વિના અને ખાણખનીજ વિભાગની પૂર્વ મંજૂરી કે રોયલ્ટી ભર્યા વગર સૌથી મોટું કૌભાંડ આચર્યું છે. ઘટનાની જાણ થતાં આડેસર ફોરેસ્ટ રેન્જ અને પાટણ ખાણખનીજ એકમે માટીચોરોની શોધખોળ આદરી છે. આ દરમ્યાન જાણવામાં આવ્યું કે, નજીક ભારતમાલા પ્રોજેક્ટ માટે ખૂબ મોટા પ્રમાણમાં માટી નાખવામાં આવી હોઇ આશંકા પ્રબળ બની છે. જેના ભાગરૂપે વનવિભાગે સીડીએસ કંપનીના કર્મચારીનું નિવેદન લીધું છે. માટીચોરોની શોધખોળ વચ્ચે વનવિભાગને કેટલીક તસવીરો અને વિડીયો મળ્યા હોઇ વાહન નંબર આધારે તપાસ તેજ કરવામાં આવી છે. 

radnpoor1

પાટણ જિલ્લાના અંતરિયાળ સાંતલપુર તાલુકામાં જાણે કોઈ કહેનાર ના હોય તેમ અથવા તંત્રની કોઈ પરવા ના હોય તેમ અત્યાર સુધીની સૌથી મોટી ખનીજ ચોરી થઈ ગઈ છે. અટલ સમાચાર ડોટ કોમના પ્રથમ રિપોર્ટ બાદ વધુ વિગતો મેળવતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આડેસર વનવિભાગના ઘુડખર ફોરેસ્ટ હદ વિસ્તારના સર્વે નંબરમાં માટી ચોરી થઈ છે. ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ પાસે મઢુત્રા ગામ નજીક 1લાખ 25 હજાર મેટ્રીક ટનથી વધુ માટી ઉઠાવી લેવામાં આવી છે. વિચાર કરો ધોળાં દિવસે જેસીબી અને ડમ્પરો સહિતની વિવિધ મશીનરી ગોઠવી ખનીજ માફીયાઓ માટીચોરી કરી ગયા છે. પાટણ જિલ્લા ખાણખનીજની મંજૂરી વગર કે રોયલ્ટી ભર્યા વિના કરોડોની માટી ઉઠાવી તસ્કરો ફરાર થઇ ગયા છે. હવે આટલી બધી માટી કોણે અને કેમ ચોરી તેમજ ક્યાં ઠાલવી તેની શોધખોળ શરૂ થઈ છે. પાટણ ખાણખનીજે સમગ્ર બાબતે આડેસર ફોરેસ્ટ રેન્જને પત્ર લખી જમીન સંલગ્ન વિષયે સ્પષ્ટતા કરવા જાણ કરી છે. આ તરફ આડેસર ફોરેસ્ટ રેન્જ દ્વારા એફઓઆર નોંધી માટી ચોરો શોધવા મથામણ હાથ ધરવામાં આવી છે. આ અંગે આડેસર ફોરેસ્ટ રેન્જના રાઠવાએ જણાવ્યું હતું કે, સવા લાખ ટનથી વધુની માટી અંદાજે 5 કરોડથી વધુ કિંમતની કહી શકાય. જેની તપાસ દરમ્યાન જે કોઈ તસવીર કે વિડીયો મળ્યા તેમાં દેખાતાં વાહન નંબર આધારે આરટીઓ કચેરીને પત્ર લખી વિગતો મેળવવામાં આવશે. આ પછી વાહન માલિકને નોટિસ આપી માટી ચોર શોધી પહોંચવા કવાયત થશે.

radnpoor 3

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


સૂત્રોએ જણાવ્યું હતું કે, જે જગ્યાથી માટી ચોરી થઈ તેની નજીક ભારતમાલા હાઇવે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. આ હાઈવેને જમીનથી ઉંચો કરવા ખૂબ મોટા પ્રમાણમાં માટી નાખવામાં આવી છે. હવે જ્યાંથી માટીચોરો થઈ તે જગ્યાની માટી આ હાઇવે પ્રોજેક્ટમાં ઠાલવવામાં આવી હશે કે નહી તેવી આશંકા બની છે. આજસુધી ક્યારેય આટલા મોટા પ્રમાણમાં માટી કોઈ એક જ સ્થળેથી ઉઠાવી હોય તેવું બન્યું નથી. તો સવા લાખ ટન માટી કોણ લઈ ગયું હશે અને ક્યાં માટી ઠાલવી હશે? તે સહિતના સવાલો ઉભા થયા છે. આથી આડેસર ફોરેસ્ટ રેન્જ દ્વારા અગાઉથી ચાલતી તપાસમાં હવે તેજ ગતિ લાવી માટી ચોરીનું આ સૌથી મોટું કૌભાંડ પકડી સરકારને ચૂનો લગાવનારને શોધવા દોડધામ શરૂ થઈ છે.

ભારતમાલા પ્રોજેક્ટની સીડીએસ કંપનીના કર્મચારીનું લેવાયું નિવેદન

આટલા મોટા પ્રમાણમાં માટી કદાચ ભારતમાલા પ્રોજેક્ટમાં ઠાલવી તો નથી ને? તે આશંકા ચર્ચાનો વિષય બનતાં આડેસર ફોરેસ્ટ રેન્જ દ્વારા સીડીએસ કંપનીના કર્મચારીને નિવેદન આપવા બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત પાઠકે નિવેદનમાં લખાવ્યું કે, મંજૂરી વાળી જગ્યાથી માટી લેવામાં આવી છે. આ માટીચોરી બાબતે કંઈપણ ખ્યાલ નથી તેવું કહ્યું હતું.

radnpoor 5

શું બધાને ખબર છે કોણે માટી ચોરી? 

એક તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે વિસ્તારમાં માટીકામ સંબંધિત અનેક વ્યક્તિઓ છે. જેમાં કોણે, ક્યારે , કેમ અને કેવીરીતે માટી ઉઠાવી તેના વિશે સ્થાનિકોમાં તર્કવિતર્ક ચાલી રહ્યા છે. આ સંબંધે આરએફઓ રાઠવાએ જણાવ્યું હતું કે, મૌખિક વાતો ચાલે છે પરંતુ કોઇ લેખિતમાં આપવા તૈયાર નથી. આથી હવે અમે વિવિધ પુરાવા એકત્ર કરી માટીચોરી કોણે કરી તે શોધવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ.

સાંતલપુર તાલુકામાં કોઈ એક સ્થળની અત્યાર સુધીની સૌથી મોટી ખનીજ ચોરી

રાધનપુર અને સાંતલપુર તાલુકામાં અવારનવાર ખનીજ ચોરીની ઘટના સામે આવતી રહે છે. જોકે સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામ નજીક કોઈ એક સ્થળે થયેલી આ સૌથી મોટી ખનીજ ચોરી માનવામાં આવી રહી છે. આડેસર ફોરેસ્ટ ઓફિસર રાઠવાએ જણાવ્યું હતું કે, અંદાજીત 5 કરોડથી પણ વધુની માટી ચોરી થઈ છે. આવી સ્થિતિમાં આ ઘટના સાંતલપુર તાલુકામાં ખનીજ ચોરીનું સૌથી મોટું કૌભાંડ બની ગયું છે.