શંકાસ્પદ@પાટણ: શું શિક્ષકોની સર્વિસ બુક સીઆરસીના ઘરે જાય છે?લોકમુખે છે ચોંકાવનારી ચર્ચા
patan

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જિલ્લામાં શિક્ષકોના ઉચ્ચતર બાબતે ગાંધીનગર કચેરી સુધી ભારે દોડધામ રહે છે. જેમાં શિક્ષકોની સર્વિસ બુક સહિતનું રેકર્ડ તૈયાર કરી ટીપીઇઓ બાદ ડીપીઇઓની મંજૂરીને અંતે ગાંધીનગર જાય છે. આ માટે ટીપીઇઓ કચેરીને ક્લેરિકલ કામનો બોજ રહેતો હોઇ શિક્ષણના સ્ટાફનો સહયોગ મેળવવો પડે છે. આ માટે એક તાલુકામાં આ સમગ્ર વિષય કોઇ સીઆરસી પાસે હોવાનું અને મહત્વનું રેકર્ડ ઘરે પહોંચતું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. શું સીઆરસી ઉચ્ચતર બાબતની જવાબદારી સંભાળે છે અઞે સર્વિસ બુક પોતાના ઘરે લઈ જાય છે? તે શંકાસ્પદ બનતાં સંબંધિત ટીપીઇઓ ભૂલ હોય તો સુધારી લેવાનું જણાવી તાત્કાલિક તપાસ કરાવવાની તૈયારી બતાવી હતી. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


પાટણ જિલ્લામાં કોઇ એક તાલુકામાં ઉચ્ચતર પગાર ધોરણ વિષયનું રેકર્ડ તૈયાર કરી ગાંધીનગર સુધી પહોંચતું કરવાની કામગીરી બાબતે ચોંકાવનારી ચર્ચા જામી છે. શિક્ષણ આલમમાં ચર્ચા થઈ રહી છે કે, એક તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી સીઆરસી ઉચ્ચતરની કામગીરી સંભાળી રહ્યા છે. આ સીઆરસી તાલુકાના શિક્ષકોની સર્વિસ બુક પોતાના ઘરે રાખતાં હોવાનું ચર્ચાસ્પદ બનતાં હડકંપ મચી ગયો છે. સર્વિસ બુક દરેક શિક્ષકની નોકરીનો મહત્વનો દસ્તાવેજ સમાન રેકર્ડ હોવાથી માત્ર જવાબદાર અધિકારીની કસ્ટડીમાં હોય છે. આથી સીઆરસી કેવીરીતે અને કેમ સર્વિસ બુક પોતાના ઘરે લઈ જઇ શકે? શું સીઆરસીને આ કામગીરી માટે અધિકૃત કરવામાં આવ્યા છે? પરંતુ પ્રશ્ન એ પણ છે કે, સીઆરસીને શિક્ષણ મોનિટરિંગ સિવાયની કામગીરી ના આપવી અને આપવી હોય તો પૂર્વ મંજૂરી લેવાનો પરિપત્ર છે તો આવી વિસંગતતા કેમ?


સૂત્રોએ જણાવ્યું હતું કે, કયા તાલુકામાં આવી ચર્ચા બરોબરની જામી છે તે બાબતે જાણતાં ટીપીઇઓનો સંપર્ક થયો હતો. જેમાં ટીપીઇઓએ જણાવ્યું કે, ઉચ્ચતર બાબતની કામગીરી માટે પૂરતાં પ્રમાણમાં ક્લેરિકલ સ્ટાફ નથી. આથી કચેરીમાં ફરજ પર બહેનને કામગીરી આપીએ છીએ અને આ બહેન દ્વારા કોઈ શિક્ષકને કામ અપાયું હોઈ શકે. શું કોઈ સીઆરસીને ઉચ્ચતરની કામગીરી આપી છે? તે સવાલ સામે ટીપીઇઓએ કહ્યું કે, હા અગાઉથી એક સીઆરસી કામગીરી કરે છે તો તેની મંજૂરી બાબતે પૂછતાં મંજૂરી ના હોય માત્ર ડીપીઇઓને જાણ કરાય. તો પછી સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટરના હુકમનુ શું ઔચિત્ય? આ સાથે શું સીઆરસી મોટી સંખ્યામાં સર્વિસ બુક ઘરે રાખે છે તે બાબતે પૂછતાં ટીપીઇઓએ કહ્યું કે, કદાચ ભૂલ થઈ શકે પરંતુ એવું હશે તો ઝડપથી સુધારો કરી દેશું. હવે આ સીઆરસી સર્વિસ બુક ઘરે લઈ જાય છે? જો આવું હોય તો રેકર્ડની અન અધિકૃત હેરાફેરી અને ચેડાં થવાની સંભાવના કેમ નહિ? તે સવાલ પણ ઉભા થયા છે.