શિક્ષણ@પાટણ: જિલ્લા પંચાયતની 2.32 કરોડની ગ્રાન્ટ થકી 72 શાળાઓના વિદ્યાર્થીઓ સ્માર્ટ બનશે

 
File image
વિદ્યાર્થીઓ માટે રમતગમતના સાધનો અને ગણિત વિજ્ઞાન કીટની ફાળવણી કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જિલ્લા પંચાયતના વહીવટી અને રાજનીતિક નેતૃત્વથી નગરપાલિકા હદ વિસ્તાર અને નજીકની શાળામાં તદ્દન નવીન વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. સ્વભંડોળની સરેરાશ 2.32 કરોડની ગ્રાન્ટ થકી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને સ્માર્ટ કરવા અને રમતગમત ક્ષેત્રે બાળવયથી તાલીમ આપવા વિવિધ વસ્તુઓ ફાળવવામાં આવી છે. સ્માર્ટ ક્લાસ, ગણિત વિજ્ઞાનના સાધનો, લાઇબ્રેરી કબાટ, એથ્લેટિક કીટ અને આગામી ઉનાળા પૂર્વે આર.ઓ કુલર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ પ્રયાસ પુર્ણ કરી લેવામાં આવ્યા છે ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષથી જ વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરવા લાગ્યા છે. વાંચો નીચેના ફકરામાં.

File image

પાટણ જિલ્લા પંચાયતના ડીડીઓ, પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો સહિતનાએ ગત સમયે મંજૂરી આપેલ શૈક્ષણિક કામગીરીનો અમલ કર્યો છે. જિલ્લા પંચાયતના સ્વભંડોળની સ્પેશિયલ શિક્ષણ ઉપકરની રકમમાંથી વિદ્યાર્થીઓ માટે નવીન વ્યવસ્થાઓ અપાઇ છે. વર્ષ 2022-23થી 2024-25 દરમ્યાન ભેગી થયેલ શિક્ષણ ઉપકરની રકમમાંથી 2.32 કરોડનો ખર્ચ પાટણ, ચાણસ્મા, હારિજ અને રાધનપુર નગરપાલિકા હદ વિસ્તાર અને નજીકની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે કર્યો છે. એથલેટિક્સ ગેમ્સ, કીટગણિત, વિજ્ઞાન કીટ, સ્માર્ટ ક્લાસ, રમતગમતના સાધનો, લાઇબ્રેરી કબાટ અને આર.ઓ વોટર કુલરની સગવડ અપાઇ છે‌. 

પાટણ તાલુકાની 49, રાધનપુર તાલુકાની 14, ચાણસ્મા તાલુકાની 3 અને હારિજ તાલુકાની 6 સહિત કુલ 72 પ્રાથમિક શાળામાં કીટ/સામાન ફાળવી દેવામાં આવ્યો છે. જેમાં 18 શાળાઓમાં આર.ઓ કુલર, 10 શાળાઓમાં લાઇબ્રેરી કબાટ, 7 શાળાઓમાં રમતગમતના સાધનો, 17 શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, 9 શાળાઓમાં ગણિત વિજ્ઞાન કીટ અને 11 શાળાઓમાં એથલેટિક્સ ગેમ્સ કીટ સહિતની વસ્તુઓ ટેન્ડર મારફતે ખરીદી ફાળવવામાં આવી છે. આ કામગીરીથી 72 પ્રાથમિક શાળાના સરેરાશ 5થી10 હજાર કે તેથી વધુ વિદ્યાર્થીઓ રમત ક્ષેત્રે, ગણિત વિજ્ઞાન ક્ષેત્રે અને વાંચન બાબતે તાલીમ મેળવી વધુ સ્માર્ટ બનશે તેવી આશા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ વ્યક્ત કરી છે.