ખળભળાટ@રાધનપુર: પાલિકામાં ભ્રષ્ટાચારનો રાફડો, 2 લાખની લાંચ લેતાં 2 કર્મચારી ઝડપાયા
patan

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

રાધનપુર પાલિકામાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો ભૂકંપ સામે આવ્યો છે. અગાઉ થયેલી એસીબી ટ્રેપથી ફફડાટ ઉભો થવાને બદલે લાંચિયા કર્મચારીઓ બેફાટ થયાનું પકડાયું છે. કાયદેસરની પરમિટ લેવાની હોવા છતાં ધંધાર્થી પાસેથી અધધધ.. રકમની લાંચ લેવા જતાં બે કર્મચારીઓ આરોપી બન્યા છે. એક કર્મચારીના કહેવાથી બીજા કર્મચારીએ 2 લાખની લાંચ માંગતાં એસીબીના છટકામાં બંને ઈસમો ઝડપાઇ ગયા હતા. રાધનપુર નગરપાલિકામાં એસીબીની રેડને પગલે કર્મચારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. 

 patan


પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાના બે કર્મચારીઓ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે સફળ રેડ કરતાં દોડધામ મચી ગઇ છે. ઘટનાની વિગતો મુજબ સ્થાનિક ધંધાર્થીને પોતાની માલિકીના બીલ્ડીંગ માટે બાંઘકામ પૂરા થયા પછીનું બી.યુ. પરમીશન પ્રમાણપત્ર મેળવવાનું હતું. આથી નિયમોનુસાર રાધનપુર પાલિકામાંથી બી.યુ.પરમીશનનું પ્રમાણપત્ર લેવા અરજી કરી હતી. જેની સામે નગરપાલિકાના પ્લાનિંગ આસીસ્ટન્ટ સરસીજસીંગ માલસીંગ જાદવે રૂપિયા 2 લાખની લાંચ માંગી હતી. આ લાંચની રકમ નગરપાલીકાના સત્તાવાર એન્જીનીયર સંજય નટવરલાલ પ્રજાપતિને આપવા કહ્યું હતું. આ બાજુ અરજદાર લાંચ આપવા ઈચ્છુક ના હોવાથી પાટણ એસીબીને ફરિયાદ કરી હતી. આ પછી ધંધાર્થી પાસેથી લાંચની રકમ લેવા સંજય પ્રજાપતિ રાધનપુર ચોકડી પાસેના ગણેશ કોમ્પલેક્ષ પાસે આવ્યો હતો. આ દરમ્યાન પહેલાંથી ગોઠવેલા છટકાં મુજબ એસીબી પોલીસ આવી જતાં રંગેહાથ 2 લાખની લાંચ લેતાં ઝડપી પાડ્યો હતો. આરોપી સંજય પ્રજાપતિની પૂછપરછમાં અને કેટલાક ટેકનિકલ પુરાવા આધારે એસીબીએ સરસીજસીંગ જાદવને પણ પકડી લીધો હતો. બંને આરોપીને પકડી એસીબીએ સઘન પૂછપરછ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. 

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


સૂત્રોએ જણાવ્યું હતું કે, માત્ર બીયુ પરમિશન માટે આટલી મોટી રકમ ગેરકાયદેસર ઉઘરાવનાર આ બંને આરોપીએ અત્યાર સુધી કેટલી બેનંબરી રકમ ભેગી કરી હશે તેની તપાસ થશે. જોકે આ બંને લાંચિયા કર્મચારીઓ કોની કૃપાથી અને કોની રહેમનજર હેઠળ બેફામ અને બેફાટ બની ધોળા દિવસે બિનધાસ્ત લાંચ લઇ રહ્યા હતા તેની પણ તપાસ થવી જરૂરી બની છે. અગાઉ પણ એસીબીની ટ્રેપ થઈ હતી છતાં રાધનપુર પાલિકાના કર્મચારીઓ ફફડાટ હેઠળ નથી કે લાંચ લેવાનું બંધ નથી થતું તે પણ ચિંતાનો વિષય બન્યો છે.