ગંભીર@પાટણ: પુરવઠા અધિકારી નિનામાના રાજમાં ભ્રષ્ટાચારીઓ બેફામ, અનાજની લૂંટનો આ રીપોર્ટ વાંચી હચમચી જશો
Nov 16, 2024, 13:42 IST
પુરવઠા અધિકારી નિનામાને ખબર છે કે, લૂંટ ચાલે છે તો પંચમહાલ ડીએસઓ મકવાણાની જેમ કામગીરી કરી સરકારને મદદ કરી શકાય પરંતુ ભાગબટાઇનો સવાલ નડે છે
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબોને મફત મળતાં સરકારી અનાજની પાટણ જિલ્લામાં ચોંકાવનારી હદે લૂંટ ચાલી રહી છે. પુરવઠા અધિકારી નિનામાના રાજમાં છેક ગામડેથી જિલ્લા સુધીના મહાલૂંટના ભાગીદાર બની રોકડી કરી રહ્યા છે. એજન્ટો, અનાજ માફિયાઓ, કેટલાંક ગંજના ચોક્કસ એજન્ટો અને વચેટિયાઓ ભેગા મળીને અલગ અલગ રીતે ગ્રાહકોના હક્કનુ અનાજ બારોબાર કટિંગ કરી/કરાવી ગેરકાયદેસર સંપત્તિ એકઠી કરી રહ્યા છે. આ નિનામાએ પોતાનાં ફરજકાળ દરમ્યાન ભયંકર નિષ્કાળજી દાખવતાં સરકારી અનાજથી ભ્રષ્ટ ઈસમો ગેરકાયદેસર રીતે લાખોપતિ માંથી કરોડપતિ થઈ રહ્યા છે. કયા તાલુકામાં કેવીરીતે અને કોના મારફતે સરકારી અનાજની ચોરી ચાલી રહી તેનો આ સ્પેશ્યલ રીપોર્ટ તંત્રને સમર્પિત.
પાટણ જિલ્લામાં સરકારી અનાજની ગોડાઉનથી ગ્રાહકો સુધી પારદર્શક સો ટકા અમલવારી થઈ રહી છે? આ સવાલનો જવાબ જાણવાં તમે આ અહેવાલ વાંચશો તો ખબર પડશે. હકીકતમાં ભ્રષ્ટ ટોળકી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ, આવ ભાઈ હરખા આપડે બેય સરખાં કહેવતની જેમ લૂંટ/ચોરી કરી/કરાવી બેનામી આવક રળી રહ્યા છે. અનેક તાલુકાઓમાં તો કટિંગનુ અનાજ સીધું ગોડાઉનમાં જ સાઈડ કરી/કરાવી બારોબાર વેચાણે જાય છે. કેટલાક તાલુકાઓમાં કોઈ એક એજન્ટ સંચાલકો પાસેથી સરકારી અનાજ એકઠું કરી/કરાવી ગંજમાં ભ્રષ્ટ એજન્ટને આપી વેચાણ કરાવે છે. તો વળી કેટલાક તાલુકાઓમાં ભ્રષ્ટ વચેટિયાઓ લાગતાં વળગતા સંચાલકોને મળી અનાજ કટિંગ કરાવી સીધા જીઆઇડીસી અથવા ખાનગી વેપારીને પધરાવી રહ્યા છે. પાટણ ડીએસઓ નિનામાની બેદરકારીના આ નીચે મુજબના મુદ્દા વાંચીને સમજી શકાશે.
1. પાટણ જિલ્લામાં નિનામા આવ્યા ત્યારથી નહિવત્ પ્રમાણમાં સસ્તા અનાજની દુકાનોની મુલાકાત લીધી છે. જેમાં ગ્રાહકોને પણ ખૂબ નજીવી સંખ્યામાં સાંભળ્યા હોઈ એજન્ટો અને ભ્રષ્ટાચારીઓને ડર રહ્યો નથી.
2. ડીએસઓ નિનામાએ કાર્યકાળ દરમ્યાન નજીવી સંખ્યામાં ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને જે કિસ્સામાં કાર્યવાહી પૂર્ણ કરી તેમાં ફટકારેલ દંડનીય રકમ પણ અનેક કેસોમાં વસૂલવાની બાકી રાખી છે.
3. અનેક કેસોમાં ઈરાદાપૂર્વક તપાસને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવતી નથી ત્યારે તપાસ સંબંધિતોને બચાવવા અવસર પૂરા પાડવામાં પરોક્ષ રીતે મદદ કરી છે.
4. જિલ્લા તકેદારી સમિતિમાં આવેલી સુચનાઓનો નિકાલ/અમલ કરવામાં તેમજ સમયસર બેઠક કરવામાં પણ બેદરકારી દાખવી છે.
5. રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર અને પાટણ તાલુકામાં અનેક સસ્તા અનાજની દુકાને ખુદ સંચાલકો નથી તેની જાણ હોવા છતાં નિયમોનુસાર કરાવવામાં બેદરકારી દાખવી છે.
6. અનેક સસ્તા અનાજની દુકાનોએ વચેટિયાઓ બેસતાં હોઈ એજન્ટોને અનાજ ચોરીનું રેકેટ ચલાવવામાં મદદ મળી રહી હોઈ નિયમોનુસાર કરાવવામાં નિષ્ફળ રહ્યા છે.
7. નિનામાએ સસ્તા અનાજની દુકાનોની, ગ્રાહકોની, ગોડાઉનની ખૂબ જ નજીવી આકસ્મિક મુલાકાતો લીધી હોઈ એજન્ટ ભ્રષ્ટાચારીઓ બેફામ બનતાં ગયાં છે.
8. રાધનપુર, હારીજ, સમી, વારાહી પંથકમાં આવેલી કેટલીક સસ્તા અનાજની દુકાનોથી અનાજનું કટિંગ કરી/કરાવી એજન્ટો સરકારી અનાજ ક્યાંક ગંજમાં તો ક્યાંક ખાનગી દુકાનોમાં વેચાણ કરે/કરાવે છે.
9. કેટલીક જગ્યાએ રેશનકાર્ડ દીઠ અંદાજે રૂપિયા 10થી 20 સંચાલક અથવા કોઈ એજન્ટ પાસેથી જબરજસ્તી ઉઘરાણું કરાવી એજન્ટ મારફતે જિલ્લામાં મંગાવવામાં આવે છે તેવી પણ બૂમરાણ છે.
10. દર મહિને રાશનકાર્ડ દીઠ અનાજ લેવા આવતાં ગ્રાહકો પાસેથી ફિંગર આપતાં દરમ્યાન વચેટિયા અથવા એજન્ટ દ્રારા 10 રૂપિયા ગેરકાયદેસર લેવામાં આવતાં હોવાની બૂમરાણ છે.
11. સસ્તા અનાજના ગોડાઉન ઉપર જ અનાજના કટ્ટાનુ 1થી 2 ટકા કટિંગ કરાવી કેટલાક સંચાલકો કમ એજન્ટો બારોબાર વેચાણ કરી સરકારને લૂંટી રહ્યા છે.
12. તાજેતરમાં પણ બૂમરાણ ઉઠી હતી કે, ગોડાઉન ઉપરથી પૂરતું અને સમયસર અનાજ તાલુકાની જે તે દુકાને પહોંચતું નથી એટલે ગોડાઉન અને દુકાનોમાં આકસ્મિક ક્રોસિંગ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર મળી આવે તેમ છે.
13. ગોડાઉન મથકેથી સસ્તા અનાજની દુકાને જથ્થો લઇ જતાં વાહનો પૂરતાં પ્રમાણમાં નથી તેમજ અનેક વાહનો જીપીએસથી વંચિત છે. આ વાહનો પણ રસ્તા પરથી પસાર થતાં દરમ્યાન ઓળખ ધરાવતી વિગતોનો અભાવ ધરાવે છે.
અહીં એ પણ જણાવવાનું કે, પંચમહાલ જિલ્લામાં પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતાં મકવાણાએ દૈનિક ધોરણે તપાસ કરી સરકારના હિતમાં ખૂબ મોટી અને પ્રસંશનીય કામગીરી કરી છે. આ કામગીરીમાં ડીએસઓ મકવાણાએ જાગૃતિ લાવવા પણ આવકારદાયક કામગીરી કરી છે. આ બાબતની જાણ પાટણ જિલ્લા પુરવઠા અધિકારી નિનામાને ખબર હોવા છતાં પાટણ જિલ્લામાં પંચમહાલ ડીએસઓ જેટલી તપાસો કરી નથી અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી પણ કરી નથી.