ખળભળાટ@સાંતલપુર: વનવિભાગે જીરું ઉપર ટ્રેક્ટર ફેરવતાં ખેડૂતો વિફર્યા, કહ્યું માથાભારેના વાવેતર દૂર કરી બતાવો
પાટણ જિલ્લા વનવિભાગની કાર્યવાહી પારદર્શક છે કેમ? તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે.
Updated: Dec 17, 2021, 10:07 IST

આસપાસના વાવેતર કેમ ઉખેડી નાખવામાં આવ્યા નથી? ખેડૂતોના સવાલો અને ગંભીર આક્ષેપોને પગલે સાંતલપુર વનવિભાગની કાર્યવાહી ભેદભાવભરી હોવાના સવાલો થઈ રહ્યા છે.
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
સાંતલપુર તાલુકામાં વનવિભાગની કાર્યવાહી બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. જમીનની શંકાસ્પદ માલિકી વચ્ચે ગામ નજીક ખુલ્લી જમીનમાં જીરુંનુ વાવેતર થયું હતું. જેની જાણ થતાં સાંતલપુર વનવિભાગે પોતાની જમીનમાં દબાણ ગણી તાત્કાલિક સ્થળ પર ટીમ રવાના કરી હતી. જ્યાં જીરુંના ઉભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દેતાં ચકચાર મચી ગઇ છે. પોતાનો પાક નજર સામે નાશ પામતાં ખેડૂત માટે ચોંકાવનારી સ્થિતિ બની છે. જેની જાણ થતાં આસપાસના ખેડૂતો એકઠાં થઈ જતાં ગંભીર આક્ષેપોની ઝડી વરસાવી હતી.
જેમાં જો વનવિભાગની જમીન હોય તો માથાભારે માણસોના વાવેતર કેમ દૂર નથી કર્યા? વનવિભાગની 500 હેક્ટર જમીન હોય તો કેમ કોઈ જગ્યા ખુલ્લી નથી? માત્ર ચોક્કસ ખેડૂતનું દબાણ દૂર કરવાના નામે થયેલી કાર્યવાહી વિરુદ્ધ ગામલોકોએ જમીન સાબિત કરી ખુલ્લી કરાવવાની ચેલેન્જ કરતાં હડકંપ મચી ગયો છે.
https://chat.whatsapp.com/H4rlYwibuhD1NJgWck0kTq

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામ નજીક વનવિભાગની ખૂબ જમીન આવેલી છે. ગઈકાલે સાંતલપુર વનવિભાગની ટીમે પોતાની જમીન ઉપર કોઈ ખેડૂતે જીરું વાવી દીધું હોવાની જાણકારી મેળવી કાર્યવાહી કરી હતી. જેમાં ટીમને ટ્રેક્ટર સાથે રવાના કરી જમીન ખુલ્લી કરાવવાના ભાગરૂપે જીરું પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું હતું. આથી જીરું વાવેતર કરનાર ખેડૂતે રોષે ભરાઇ પાડોશી ખેડૂતોનો સાથ સહકાર મેળવી ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. આ સંદર્ભે સાંતલપુર વનવિભાગના આરએફઓ દિપક ભાઇએ જણાવ્યું હતું કે, વનવિભાગની જમીન ઉપર ગેરકાયદે વાવેતર હોઇ દૂર કર્યું છે. મઢુત્રા ગામ પાસે વનવિભાગની સરેરાશ 500 હેક્ટર જમીન આવેલી છે. જ્યાં દબાણ ધ્યાને આવે ત્યાં દૂર કરીએ છીએ.

આ વાત સામે ખેડૂતોએ જાણે ચેલેન્જ આપી હોય તેમ જણાવ્યું હતું કે, જો મઢુત્રા ગામ પાસે વનવિભાગની 500 હેક્ટર જમીન હોય તો કેમ તમામ જગ્યાએ વાવેતર છે. એક હેક્ટર જમીન પણ ખુલ્લી નથી તો વનવિભાગની જમીન ક્યાં ગઈ? આવી સ્થિતિમાં સાંતલપુર વનવિભાગની કાર્યવાહી છતાં ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સાંતલપુર વનવિભાગની જો 500 હેક્ટર જમીન છે તો કેમ આટલી જમીન ખુલ્લી નથી? ગત દિવસે જ્યાંથી દબાણ દૂર થયું ત્યાની આસપાસ પણ વાવેતર છે. આ સંદર્ભમાં ખેડૂતોએ જણાવ્યું કે, દબાણ ગણી જીરું વાવેતર ઉખેડી નાખ્યું તેની આજુબાજુ પણ વાવેતર છે અને એ જમીન પણ વનવિભાગની જ હોય. તો આસપાસના વાવેતર કેમ ઉખેડી નાખવામાં આવ્યા નથી? ખેડૂતોના સવાલો અને ગંભીર આક્ષેપોને પગલે સાંતલપુર વનવિભાગની કાર્યવાહી ભેદભાવભરી હોવાના સવાલો થઈ રહ્યા છે.