રિપોર્ટ@સાંતલપુર: ખખડધજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર મોતનું તાંડવ, હાઇવેના જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ
patan
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


રાધનપુરથી પસાર થતો અને કચ્છ તરફ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ હવે કાળમુખો બની ગયો છે. ખાડામાંથી પસાર થતાં વારંવાર અકસ્માત થઈ રહ્યાં છે. બાઇક ઉપર પત્નીને લઇ જતાં પતિને વારાહી પાસે નેશનલ હાઇવે ઉપર ખાડો આવતાં અકસ્માત સર્જાયો હતો. ખાડામાં બાઇક ટકરાતા પત્ની પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમ્યાન કરૂણ મોત થતાં પતિએ નેશનલ હાઇવે ઓથોરિટીના જવાબદાર અને તપાસમાં મળી આવે તે તમામ વિરુદ્ધ ફરિયાદ આપી છે. જેના આધારે વારાહી પોલીસે જવાબદારો વિરુદ્ધ 304(એ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે જવાબદારો શોધવા કવાયત શરૂ કરતાં વાહનચાલકોને હાઇવે રિપેર થવાની આશા બની છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


પાટણ જિલ્લાના રાધનપુરથી સાંતલપુર વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતો વધી રહ્યા છે. એકદમ ખરાબ બની ગયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર જાણે મોતનું તાંડવ સર્જાયું હોય તેવી પરિસ્થિતિ બની છે. ખાડાઓને કારણે અકસ્માતે મોત થતાં નેશનલ હાઇવે ઓથોરિટી વિરુદ્ધ કેમ કાર્યવાહી નહિ તેવા સવાલો ઉઠાવી અટલ સમાચાર ડોટ કોમ દ્વારા રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ પછી ફરીથી રાષ્ટ્રીય ધોરીમાર્ગના ખાડાએ બાઇક સવાર પતિપત્નીને અકસ્માત આપ્યો હતો. જેમાં પત્નીને મોતનાં મુખમાં લેતાં કાળમુખા નેશનલ હાઇવે વિરુદ્ધ પતિનો રોષ ભભૂકી ઊઠ્યો હતો. ખાડાઓને કારણે પત્ની ગુમાવી પડી હોવાથી સમી નજીક કાઠી ગામનાં પાલાભાઇ મોહનભાઈ મકવાણાએ વારાહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટીના જવાબદારોને કારણે અકસ્માત થયો હોવાનો આરોપ લાગતાં તેઓના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. પતિની ફરિયાદ આધારે વારાહી પોલીસે નેશનલ હાઇવે ઓથોરિટીના જવાબદારો વિરુદ્ધ આઇપીસી કલમ 304(એ) મુજબ ફરિયાદ રજીસ્ટર કરી છે. 

patan hiway

સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી રાધનપુરથી કચ્છ તરફ જતો નેશનલ હાઇવે અત્યંત જર્જરિત બની ગયો છે. ખરાબ રાષ્ટ્રીય ધોરીમાર્ગને કારણે અકસ્માતો વધતાં આ ફરિયાદમા હવે હાઇવે સુરક્ષિત રાખવાની જવાબદારી ધરાવતાં કર્મચારીઓ/અધિકારીઓ કે ઠેકેદારો આરોપી બની શકે છે. વારાહી પોલીસે આ હાઈવે રીપેરીંગ કરી વ્યવસ્થિત રાખવાની જવાબદારી કોના શિરે આવે છે તે શોધવા હાઇવે ઓથોરિટીને પત્ર લખવા દોડધામ શરૂ કરી છે. આવી સ્થિતિમાં હાઇવે ઓથોરિટીના જવાબદારો એક કે તેથી વધુ પણ આવી શકે છે.