રીપોર્ટ@રાધનપુર: મામલતદારનાઓ પ્રિ મોન્સુન તૈયારીમાં નિષ્ફળ? મસાલી રોડમાં પાણી ભરાવનો કાગળ ઉપર નિકાલ કેવો?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણ જિલ્લામાં ફરીએકવાર વરસાદી માહોલ પૂરજોરમાં છે ત્યારે જિલ્લાના પાણી ભરાવ સ્પોટ મામલે તાલુકા ડિઝાસ્ટરનો રીપોર્ટ જાણવો ખૂબ અગત્યનો છે. દર વર્ષે પ્રિ મોન્સુન તૈયારીઓ થાય, પ્લાન બને, લાગતી વળગતી કચેરીઓને મામલતદારનાઓ સુચના આપી રીપોર્ટીંગ લે અને વરસાદમાં ઉભી થનાર મુશ્કેલીઓને શોધી વરસાદ પહેલા નિરાકરણ કરાવે. આ બધી રાજ્ય સરકારના નિર્દેશવાળી કામગીરી વર્ષોથી થાય છતાં રાધનપુરના મસાલી રોડ ઉપર પાણી ભરાવની સમસ્યા કેવી રીતે સર્જાય છે? દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે તેવું આખા ગામને ખબર છે તો પ્રિ મોન્સુન કામગીરી દરમ્યાન આ શોધમાં નથી આવતું? આવે છે તો કાગળ ઉપર પાણી નહિ ભરાય એ માટે શું બતાવવામાં આવે છે અને પાણી નહિ ભરાય અથવા ભરાય તો તેની પૂર્વ અને પોસ્ટ તૈયારી શું કરી તેનું શું બતાવવામાં આવે છે ? મસાલી રોડમાં જલ ભરાવાનો વર્ષો જૂના પ્રશ્નની આજે પડતાલ.
પાટણ જિલ્લામાં ચોમાસાની ફટકાબાજી દર વર્ષની જેમ આ વખતે પણ બીજા રાઉન્ડમાં પહોંચી છે. રાજ્ય ડિઝાસ્ટરથી માંડી તાલુકા મામલતદાર સહિતનાઓ વરસાદ પહેલાં રોડ રસ્તામાં તકલીફો છે કે કેમ તે શોધે છે, ક્યાં કેટલું પાણી ભરાય છે અને શું તકલીફ થાય તેમ છે તેની પણ તૈયારી કરે છે. આવી સ્થિતિમાં રાધનપુરના મસાલી રોડ પર દર વર્ષે પાણી ભરાય છે અને વરસાદમાં અહિં મોટી સંખ્યામાં રહેતાં રહીશોને ખૂબ તકલીફ પડે છે ત્યારે સમસ્યાનો નિકાલ પ્રિ મોન્સુન કામગીરીમાં બતાવવામાં આવતો હશેને ? સૌથી મહત્વનો સવાલ થાય કે, મસાલી રોડમાં પાણી ભરાય એટલે કઈ કચેરીની જવાબદારી કરતાં ચોમાસું શરૂ થતાં પૂર્વે તાલુકાના મેજીસ્ટ્રેટ એવા મામલતદારે શું કર્યું? હકીકતમાં પાણી ક્યાં ભરાય છે અને ત્યાં વરસાદ પહેલાં, વરસાદ દરમ્યાન અને વરસાદ પછી શું કરવું તેનું સઘળું રિપોર્ટીગ થાય છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અહિંના રહીશો વર્ષોથી ચોમાસામાં પાણી ભરાવાની બૂમરાણ કરે છે, ત્રાહિમામ્ થાય છે, વરસાદમાં તુરંત પાણી નિકાલની માંગ કરે છે ત્યારે તાલુકા ડિઝાસ્ટર, પ્રિ મોન્સુન કામગીરી, અવરજવરમાં અવરોધ આ તમામ રીપોર્ટમાં સમસ્યાનો હલ કેવો બતાવવામાં આવે છે તે જાણવું અને જાહેર થવું ખૂબ અગત્યનું છે. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં રાધનપુર શહેર, તાલુકામાં વરસાદમાં આવતી સામાન્યથી ભારેખમ તકલીફનો મામલતદારના રીપોર્ટમાં કેવો નિકાલ બતાવ્યો છે અથવા પાણી ભરાવાના સ્પોટ બાબતે કામગીરીનો શું અહેવાલ છે તે જાણવા પ્રયત્ન કરીશું.