રીપોર્ટ@સમી: આ ગામની પંચાયતમાં અગવડો ભરપૂર, બીજી બાજુ તલાટીની ફરજ બાબતે ઉગ્ર રજૂઆત
Jan 5, 2025, 17:05 IST
![Sami Taluka panchayat Related](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/1e3883f1a45b83ee8460d265325e42f7.jpg)
ગામલોકોને દાખલા સહિતના કામમાં તકલીફ છે ? પરંતુ ગ્રામ પંચાયતમાં મૂળભૂત વ્યવસ્થાઓ ક્યારે થશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સમી તાલુકાના એક ગામમાં છેલ્લા કેટલાક સમયથી વહીવટી અને રાજકીય ગતિવિધિઓ વચ્ચે મોટો હોબાળો મચી ગયેલો છે. કેટલાક મહિનાથી નિયમિત કોમ્પ્યુટર સેવાદાતા નથી અને તલાટીની નિયમિતતા હોવા ના હોવા મામલે રજૂઆત છે. તો આ તરફ ગ્રામ પંચાયતમાં અનેક મૂળભૂત વ્યવસ્થાઓ નથી તેવી બૂમરાણ છે ત્યારે આખાય વિષયથી ગામના અનેક અરજદારો દાખલા માટે પરેશાન થતાં હોવાની અરજી થઈ છે. સમી તાલુકા પંચાયતના સભ્યે બાબરી જૂથ ગ્રામ પંચાયતના મહિલા તલાટી વિરુદ્ધ ટીડીઓને ફરિયાદ કરી છે. સામે તલાટીની પણ કેટલીક રજૂઆતો હોવાનું સામે આવતાં મામલો ગરમાયો છે. જાણીએ સમગ્ર અહેવાલ.
પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી જૂથ ગ્રામ પંચાયતને તાજેતરમાં મળેલા નવા તલાટીની હજુ તો સેવા શરૂ થઈ છે. એકાદ બે મહિનાથી વૈશાલી ચૌધરીએ બાબરી જૂથ ગ્રામ પંચાયતના તલાટી તરીકેની સેવા શરૂ કરી છે પરંતુ જૂના વિષયોને કારણે અનેક બાબતો સપાટી ઉપર આવી છે. અગાઉના નિયમિત વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોરને ટીડીઓના હુકમથી દૂર કર્યા પછી નિયમિત વીસીઈના અભાવે ગ્રામ પંચાયતની કેટલીક સેવાઓ વિલંબમાં જાય છે. આ તરફ બાબરી જૂથ ગ્રામ પંચાયતના તલાટી વૈશાલી ચૌધરી નિયમિત આવતાં નથી અને ગામલોકોના દાખલા સહિતના કામો સમયસર થતાં નથી તેવી રજૂઆત થઈ છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સમી તાલુકા પંચાયતના સભ્ય જ્યોત્સનાબેન પ્રકાશભાઈ ઠાકોરે બાબરી જૂથ ગ્રામ પંચાયતના મહિલા તલાટી વિરુદ્ધ રજૂઆત કરી ત્યારે કેટલીક હકીકતો પણ બહાર આવી છે. ગ્રામ પંચાયતમાં ચાર્જિગની, પંખાની વ્યવસ્થા નથી, નવી ગ્રામ પંચાયત હોવા છતાં વ્યવસ્થિત શૌચાલય પણ નથી. આ બધી સમસ્યાઓ વચ્ચે કોમ્પ્યુટરના કામે નિયમીત વીસીઈ નથી ત્યારે તલાટીની જવાબદારી શોધવામાં આવી છે.
સભ્ય, ઉપ સરપંચ સહિતના જણાવે છે કે, તલાટી નિયમિત નથી અને અરજદારોને ધક્કા ખવડાવે છે તેમજ જો કોઈ ઘર્ષણ થશે તો પણ જવાબદારી બાબતના મુદ્દા સાથે રજૂઆત કરી છે. બાબરી જૂથ ગ્રામ પંચાયતના સરેરાશ 5000 રહીશો અને મોટી ગ્રામ પંચાયત છતાં જો પંચાયતમાં મૂળભૂત વ્યવસ્થાઓ નથી તો ગંભીર સવાલો પણ ઉભા થાય છે.